એમ એસ યુનિવર્સીટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટેના નિયમોને વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા, શિસ્ત અને હોસ્ટેલની સુવિધાઓનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે નવા નિયમો અમલમાં મુકવામાં આવશે.
તાજેતરમાં ગર્લ્સ હોસ્ટેલના કે.જી. હોલમાં એક રૂમમાં પાણી ગરમ કરવાની ઇલેક્ટ્રિક કેટલમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને હવે હોસ્ટેલના રૂમમાં કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિકલ ઉપકરણો જેમ કે હીટર, ઇન્ડક્શન સ્ટોવ, ઇલેક્ટ્રિક કેટલ સહિતના સાધનો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નશીલા પદાર્થોના ઉપયોગ અંગે પણ યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે. નવા નિયમ મુજબ કોઈ પણ રૂમમાંથી નશીલા પદાર્થો, સિગારેટના પેકેટ અથવા દારૂની ખાલી કે ભરેલી બોટલો મળી આવશે તો માત્ર સંબંધિત વિદ્યાર્થી જ નહીં, પરંતુ તે રૂમમાં રહેતા તમામ પાર્ટનર્સને જવાબદાર ગણવામાં આવશે. તેમની સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત, હોસ્ટેલમાં પ્રવેશ સમયે વિદ્યાર્થીઓના વાલીઓ અથવા ગાર્ડિયન્સ પાસેથી બાંહેધરી પત્ર લેવામાં આવશે. તેમાં વાલીઓએ હોસ્ટેલના તમામ નિયમોની જાણકારી હોવાની અને તેમના સંતાનો નિયમોનું પાલન કરશે તેવી ખાતરી આપવાની રહેશે.
Reporter:







