વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આયોજિત ભારતીય સમુદાયના કાર્યક્રમ દરમિયાન 25 વર્ષથી વધુ જૂની યાદો તાજી કરતાં ભાવુક સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે તેઓ 25-30 વર્ષ પહેલાં, જ્યારે કોઈ સરકારી પદ પર નહોતા, ત્યારે ન્યૂઝીલેન્ડ આવ્યા હતા અને તે સમયે તેમને મળેલી ભેટ આજે પણ સંભાળીને રાખી છે.
પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન વર્ષો પહેલાં ભેટમાં મળેલો મફલર પહેરીને ઉપસ્થિત લોકોને બતાવ્યો. તેમણે કહ્યું કે તે સમયે તેમને એક મફલર, એક કેપ અને એક જોડી હાથમોજાં ભેટમાં મળ્યા હતા, જેને તેઓ ભારત લઈ ગયા હતા. વર્ષો દરમિયાન આ મફલરનો અનેક વખત ઉપયોગ કર્યો હોવા છતાં આજે પણ તેને એટલી જ કાળજીથી સાચવી રાખ્યો છે.
તેમણે કહ્યું, "જે રીતે હું આ મફલરને સાચવી રાખ્યો છે, તે જ રીતે હું તમારા સૌના પ્રેમને પણ હંમેશા હૃદયમાં સાચવી રાખું છું."
પ્રવાસી ભારતીયોને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે તેઓ 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને ન્યૂઝીલેન્ડ આવ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. તેમણે ઉમેર્યું કે બંને દેશોના સંબંધો વિશ્વાસ, મિત્રતા, સહિયારા મૂલ્યો અને પરસ્પર પ્રતિબદ્ધતા પર આધારિત છે.
પીએમ મોદીએ ભારતીય સમુદાયને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધોની સૌથી મોટી તાકાત ગણાવી અને બંને દેશો વચ્ચેના લોકોના પરસ્પર જોડાણને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
Reporter: admin







