વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે સહયોગ વધારવા માટે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) અને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ પેમેન્ટ નેટવર્કને જોડવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન દ્વારા આયોજિત ગાલા લંચને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે બંને દેશો ડિજિટલ ટેક્નોલોજી, કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ અને પરંપરાગત ચિકિત્સા જેવા ક્ષેત્રોમાં વ્યાવહારિક સહયોગને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે કૃષિ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં તૈયાર કરાયેલા સહયોગના માળખાથી બંને દેશોના ખેડૂતો અને પશુપાલકોને સીધો લાભ મળશે. ફિનટેક ક્ષેત્રમાં UPI અને ન્યૂઝીલેન્ડની પેમેન્ટ સિસ્ટમ વચ્ચે જોડાણથી બંને દેશો વચ્ચે ડિજિટલ લેવડદેવડ વધુ સરળ બનશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે બંને દેશો વચ્ચે થયેલા સાંસ્કૃતિક સહયોગના કરારથી કલા, સંસ્કૃતિ, વારસો અને સર્જનાત્મક ઉદ્યોગોમાં પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન મળશે. તેમણે ન્યૂઝીલેન્ડની યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ શરૂ કરવા આમંત્રણ પણ આપ્યું.
તેમણે ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયની પ્રશંસા કરતાં જણાવ્યું કે ભારતીયોએ પોતાની મહેનત અને પ્રતિભાથી ત્યાં આગવી ઓળખ ઉભી કરી છે. સાથે જ તેમણે ન્યૂઝીલેન્ડ સરકાર અને ત્યાંના લોકોનો ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો.
ભારત અને ન્યૂઝીલેન્ડના સંયુક્ત નિવેદનમાં પણ ભારતીય સમુદાયને ન્યૂઝીલેન્ડના વિવિધતાભર્યા સમાજનો અભિન્ન અને મૂલ્યવાન ભાગ ગણાવવામાં આવ્યો છે, જે બંને દેશો વચ્ચે આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સેતુ તરીકે કામ કરી રહ્યો છે.
Reporter: admin







