ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં શનિવારે સવારે મેરઠ રોડ પર આવેલા નંદગ્રામ તિરાહા નજીક દિલ્હી પબ્લિક સ્કૂલ ગાઝિયાબાદ (DPSG)ની એક સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગે સમગ્ર બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી અને દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
સદનસીબે આગ લાગી ત્યારે બસમાં એક પણ વિદ્યાર્થી સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બસના ચાલકે પણ સમયસર બસની બહાર નીકળી જતાં તેનો જીવ બચી ગયો હતો.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને સવારે આશરે 9:26 વાગ્યે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બે ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ હોઝ લાઇન અને અન્ય સાધનોની મદદથી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, બસનો રજીસ્ટ્રેશન નંબર UP-14 GT-6565 છે અને તેમાં સીએનજી કિટ લગાવવામાં આવી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
Reporter: admin







