વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે એક સરાહનીય અને મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. જે લોકો એકલા મતદાન કરવા આવતા હોય છે તેમને પોતાનો ફોન ક્યાં રાખવો તેની મોટી ચિંતા અને મુંઝવણ રહેતી હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે વડોદરાજિલ્લા તંત્ર દ્વારા મતદાન મથકોની બહાર જ 'મોબાઇલ ડ્રોપ બોક્ષ' ની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનાથી મતદારો મોબાઇલ સાચવવાની ઝંઝટમાંથી સંપૂર્ણપણે મુક્ત થયા છે.

આ સુવિધાની કાર્યપદ્ધતિ ખૂબ જ સરળ અને સુરક્ષિત રાખવામાં આવી છે. મતદાન મથક બહાર તેના માટે વિશેષરૂપે જિલ્લા તંત્રના કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે. જ્યારે કોઈ મતદાર મતદાન કરવા આવે છે, ત્યારે કર્મચારીઓ તેમનો મોબાઇલ સાચવીને એક બેગમાં મૂકે છે અને તેના બદલામાં મતદારને એક સલામત ટોકન આપે છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મતદાર એ જ ટોકન પાછું બતાવીને પોતાનો મોબાઇલ સરળતાથી પરત મેળવી શકે છે.

જલારામ વિદ્યાલય ખાતે મતદાન કરવા આવેલા અશોકભાઇ વિજયભાઇ પાંડેએ જિલ્લા તંત્રની આ પહેલની સરાહના કરતા જણાવ્યું હતું કે, મોબાઇલ મુકવાની સુવિધાથી સેફ્ટી રહે છે જે ખુબ સારી વ્યવસ્થા છે. તંત્રએ સારી કામગીરી કરી છે.
આ નવીન વ્યવસ્થાને કારણે મતદારોમાં ભારે ખુશી અને સંતોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ જાતની ચિંતા વગર શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકતા હોવાથી સ્થાનિક નાગરિકો અને મતદારો વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રની આ ઉત્કૃષ્ટ સુવિધા તથા કામગીરીની સરાહના કરી રહ્યા છે.
Reporter: admin







