ગ્લાસગોમાં સતત ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચનાર ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ નવી દિલ્હીમાં કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સિંધિયાએ મીરાબાઈ ચાનુને તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતાં તેમના સંકલ્પ, શિસ્ત અને અથાગ મહેનતની પ્રશંસા કરી હતી.
મુલાકાત દરમિયાન મીરાબાઈ ચાનુએ પોતાની રમતગમતની સફર, આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા દરમિયાન આવેલી મુશ્કેલીઓ તેમજ તાલીમના અનુભવો અંગે ચર્ચા કરી હતી. સિંધિયાએ તેમની સાથે તાલીમ, પોષણ, પૂરતો આરામ, ઊંઘ અને ઉત્તમ પ્રદર્શન માટે જરૂરી વૈજ્ઞાનિક તૈયારીના મહત્વ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
સિંધિયાએ જણાવ્યું હતું કે પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રાલય ઉચ્ચ સ્તરીય કાર્યબળ (HLTF) દ્વારા સમગ્ર પૂર્વોત્તર વિસ્તારમાં વ્યાપક રમતગમત ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કાર્યરત છે. ‘એક રાજ્ય-એક રમત’ પહેલ હેઠળ દરેક પૂર્વોત્તર રાજ્યને તેની વિશેષ રમતગમત ક્ષમતા મુજબ સહયોગ આપવામાં આવશે. આ પહેલમાં વેઇટલિફ્ટિંગ, તીરંદાજી અને ફૂટબોલ જેવી રમતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ માત્ર રમતગમતનું માળખું ઊભું કરવાનો નથી, પરંતુ વિશ્વસ્તરીય કોચિંગ, રમત વિજ્ઞાન, પોષણ અને ખેલાડીઓને સર્વાંગી સહાય પૂરી પાડી આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરવાનો છે. સિંધિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યોગ્ય સુવિધાઓ અને ગુણવત્તાસભર તાલીમના આધારે પૂર્વોત્તર વિસ્તારમાંથી મીરાબાઈ ચાનુ જેવી અનેક નવી પ્રતિભાઓ ઉભરી આવશે.
મીરાબાઈ ચાનુના કોચ વિજય શર્માએ પણ પૂર્વોત્તરના ખેલાડીઓની ક્ષમતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ પહેલ ગ્રાસરૂટ સ્તરે રહેલી પ્રતિભાઓને આગળ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વોત્તર વિકાસના વિઝનને અનુરૂપ રમતગમત ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પણ પુનરોચ્ચાર કરવામાં આવી હતી.
Reporter: admin







