News Portal...

Breaking News :

'સશક્ત દીકરી-કલેક્ટર ઇન ક્લાસરૂમ' અભિયાન હેઠળ કલેક્ટર ગાર્ગી જૈનનો લિન્ડા શાળામાં વિદ્યાર્થીનીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ

2026-08-03 18:17:46
'સશક્ત દીકરી-કલેક્ટર ઇન ક્લાસરૂમ' અભિયાન હેઠળ કલેક્ટર ગાર્ગી જૈનનો લિન્ડા શાળામાં વિદ્યાર્થીનીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિન્ડા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા 'સશક્ત દીકરી-કલેક્ટર ઇન ક્લાસરૂમ' અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ખાસ મુલાકાત લીધી હતી. આ દરમિયાન કલેક્ટરશ્રીએ વર્ગખંડમાં વિદ્યાર્થીનીઓ વચ્ચે બેસીને તેમની સાથે આત્મીય અને પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો.


કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થીનીઓને સંબોધતા જણાવ્યું હતું કે, દરેક દીકરીમાં અસીમ શક્તિ અને પ્રતિભા રહેલી છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ કે નિષ્ફળતાઓથી ક્યારેય હિંમત હારવી નહીં, પરંતુ સતત મહેનત, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણીથી પોતાના સપનાઓને સાકાર કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમણે દીકરીઓને શિક્ષણને જીવનનું સૌથી મોટું શસ્ત્ર ગણાવી તેનો સંપૂર્ણ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન કલેક્ટરશ્રીએ સરળ ભાષામાં 'ગુડ ટચ અને બેડ ટચ' અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, જો કોઈપણ પ્રકારનો અયોગ્ય અથવા અસ્વીકાર્ય અનુભવ થાય તો ડર્યા વગર તેનો વિરોધ કરવો અને તાત્કાલિક માતા-પિતા, શિક્ષક અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિને તેની જાણ કરવી જોઈએ. દીકરીઓની સુરક્ષા અને જાગૃતિ અંગે પણ તેમણે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ સાથે તેમના ભવિષ્યના લક્ષ્યો, કારકિર્દી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરીક્ષાના ડરને કેવી રીતે દૂર કરવો, સમયનું યોગ્ય આયોજન, વ્યક્તિગત સ્વચ્છતા, શારીરિક તંદુરસ્તી અને સકારાત્મક જીવનશૈલી અંગે પણ ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહનરૂપે પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post