૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મતદારોમાં લોકશાહીના આ મહાપર્વની ભારે ઉજવણી જોવા મળી રહી છે. જાંબુઆ સ્થિત માણેજા અર્બન હેલ્થ સેન્ટરના મતદાન મથક ખાતે એક અત્યંત પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં વિશેષ રૂપથી ગૃહિણીઓ પોતાના નાના બાળકો સાથે મતદાન કરવા પહોંચી હતી અને કોઈપણ બહાના વિના પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને અન્ય નાગરિકોને અચૂક મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.

આ સાથે જ, માણેજા ગામ સ્થિત માં ગાયત્રી સરકારી શાળાના મતદાન મથકે યુવા મતદારોએ પણ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રત્યે ગર્વની લાગણી અનુભવી હતી. ચૂંટણી પ્રક્રિયા એકદમ સુચારુ રહે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર તમામ પ્રાથમિક સુવિધાઓ અને સુદ્રઢ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

તંત્રની આ સઘન કામગીરી થકી સુગમતાપૂર્વક મતદાન કર્યા બાદ તમામ મતદારોએ વહીવટી સગવડો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.




Reporter: admin







