૧૪૫-માંજલપુર વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી-૨૦૨૬ના સુચારુ સંચાલન માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલ ધામેલિયાએ પ્રચાર માધ્યમોને સંબોધતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી અને વહીવટી તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે.
અનિલ ધામેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મતદારોની સુવિધા માટે આ વખતે પ્રથમ વખત મતદાન મથકો પર મોબાઈલ જમા કરાવવા માટે 'મોબાઈલ ડિપોઝિશન સેન્ટર'ની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જ્યાં જરૂર જણાય ત્યાં રેઈન-પ્રૂફ મંડપ, વોટર-પ્રૂફ ટેન્ટ અને જળભરાવની સ્થિતિમાં 'ડી-વોટરિંગ પંપ' સાથેની 'ક્યુ-ટીમ' કાર્યરત કરવામાં આવી છે.
તદુપરાંત, સમગ્ર મતદાન પ્રક્રિયા પર બાજ નજર રાખવા માટે ૧૦૦ ટકા વેબકાસ્ટિંગ (૫૨૦ કેમેરા) ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનું લાઈવ મોનિટરિંગ કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. સુરક્ષા માટે ૧૪૦૦ થી વધુ પોલીસકર્મીઓની સાથે અર્ધ-લશ્કરી દળોની ટુકડીઓ પણ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાક મથકો પર માઈક્રો ઓબ્ઝર્વર્સની પણ નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ માંજલપુરના તમામ મતદાતાઓને અપીલ કરી છે કે, તેઓ લોકશાહીને મજબૂત બનાવવા માટે નિર્ધારિત પુરાવાઓ સાથે વહેલી સવારથી જ મતદાન મથકે પહોંચી ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.
મતદાનની ટકાવારી વધારવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ એક્સટેન્સિવ 'સ્વીપ' પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે, જેમાં બે હજારથી વધુ સોસાયટીઓમાં વોટર ઇન્ફોર્મેશન સ્લિપ અને મતદાન મથકની વિગતો પહોંચાડવામાં આવી છે.
મહત્વનું છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, તા. ૩૦મી જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૭:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે મતગણતરી ૩જી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ યોજાશે. માંજલપુર વિધાનસભા વિસ્તારમાં કુલ ૨,૧૯,૪૯૪ મતદારો નોંધાયેલા છે, આ મતદારો માટે કુલ ૨૬૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ૮૫ વર્ષથી ઉપરના અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
Reporter: admin







