News Portal...

Breaking News :

જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયાએ મુલાકાત લઇ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું

2026-07-29 12:43:24
જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયાએ મુલાકાત લઇ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું

 ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી-૨૦૨૬ અન્વયે આવતી કાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને વડોદરા જિલ્લામાં આજરોજ ભવન્સ સ્કૂલ, મકરપુરા ખાતે ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર ખાતેથી ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણની કામગીરીનો પ્રારંભ કરાયો હતો.

૧૪૫-માંજલપુર વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી-૨૦૨૬ના સુચારુ સંચાલન માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે રિસિવિંગ સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયાએ મુલાકાત લઇ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરશ્રીએ કંટ્રોલ રૂમ, ડિસ્પેચ ટેબલ ઉપર સામગ્રી વિતરણ, પોલીંગ સ્ટાફની સુવિધાઓ,વાહન-વ્યવહાર સહિતની આનુસાંગિક વ્યવસ્થાઓની ચકાસણી કરી જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમો પોતાના મથકે પહોચી જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.


જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ૧૪૫-માંજલપુર વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી-૨૦૨૬નું આવતી કાલે મતદાન યોજાનાર છે ત્યારે આજે કુલ ૨૮ રૂટ મારફત પોલીંગ સ્ટાફ પોતાના મતદાન મથકે પહોચશે. આ પ્રક્રિયામાં ૨૮૬ પ્રિસાઇડિંગ ઓફિસર, ૮૫૮ પોલીંગ ઓફિસર અને ૨૮૬  જેટલા પ્યુન સહિત ૧૪૦૦થી વધારે પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મતદાન મથક ઉપર પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને મોબાઇલ ડીપોઝીશન સેન્ટર બનાવવામાં આવ્યા છે જેથી મતદાતાઓ પોતાનો મોબાઇલ સુરક્ષિત રાખી શકે. આ સાથે વરસાદને ધ્યાને રાખીને ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર ખાતે વોટર પ્રુફ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને મતદાન મથકો ઉપર પણ જે જગ્યાઓએ પાણી ભરાવવાની શક્યતાઓ હોય તેવા મથકોએ ટીમ મારફત જરૂરી વ્યવસ્થા જેમા રસ્તાઓની સફાઇ કરવી અને ડીવોટરીંગની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. ક્વીક રીસ્પોંસ ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે જેથી મતદાનની પ્રક્રિયામા કોઇ ખલેલ ન પહોંચે. 
આ સાથે કલેકટરશ્રીએ અંતે સૌ મતદાતાઓને સમયસર મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

Reporter:

Related Post