કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે ત્યારે પરાજય સ્વીકારી લેવાની સાથે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ ચૂંટણી પંચ પર ચૂંટણીમાં નિષ્પક્ષતા નહીં રાખવાનો તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ પર તેમની સાથે મારપીટ કરવાનો આક્ષેપ કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં સોમવારે તૃણમૂલ કોંગ્રેસનો પરાજય નિશ્ચિત થઈ ગયો હતો ત્યારે મમતા બેનરજી માટે ભવાનીપુરની તેમની બેઠક જાળવી રાખવી પણ મુશ્કેલ બની ગઈ હતી. તેવા સમયે મમતા તેમના વિધાનસભા ક્ષેત્રના સખાવત મેમોરિયલ કાઉન્ટિંગ હોલ પહોંચ્યા હતા. આ સમયે મમતાએ કહ્યું કે, કેન્દ્રીય દળોએ મને અંદર જવા દીધી નહીં. આ તેમનું પક્ષપાતી વલણ છે. તમે સીઆરપીએફને જોઈ શકો છો. તેમણે મને ધક્કો માર્યો. તેમણે બધી જ જગ્યાએ ગુંડા ગોઠવી દીધા છે.
હું ઉમેદવાર હોવા છતાં મને મત ગણતરી કેન્દ્રમાં જવા દેવાઈ નહીં.મમતાએ કહ્યું કે, ભાજપ દાનવોની પાર્ટી છે. તેણે ૧૦૦થી વધુ બેઠકો પર લૂંટ ચલાવી છે અને છેતરપિંડી આચરી છે. ચૂંટણી પંચ ભાજપનું કમિશન છે. મેં સીઈઓ મનોજ અગ્રવાલને પણ ફરિયાદ કરી છે, પરંતુ તેઓ કશું કરી રહ્યા નથી. શું તમને લાગે છે કે આ ભાજપનો નૈતિક વિજય છે? મમતાએ આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચે વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે મળીને જે પણ કંઈ કર્યું છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
Reporter: admin







