દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિતિ ભાજપ મુખ્યાલયમાં બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ-એનડીએના વિજય પછી સંબોધન કર્યું હતું.
બંગાળી પોશાકમાં સજ્જ પીએમ મોદીએ તેમના લાક્ષણિક અંદાજમાં કહ્યું હતું કે બંગાળ હવે હિંસામુક્ત થશે. બંગાળમાંથી ભય દૂર થશે અને ભવિષ્યની વાત થશે. બંગાળમાં બદલાની નહીં, બદલવાની રાજનીતિ થશે. તેમણે ઉત્તરાખંડના ગંગોત્રીથી બંગાળના ગંગાસાગર સુધી કમળ ખીલ્યું તે સંદર્ભમાં કહ્યું હતું: ગત વર્ષે બિહારમાં મેં કહ્યું હતું કે અહીં કમળ ખીલ્યું છે. અહીંથી ગંગા નદી ગંગાસાગર સુધી જાય છે અને બંગાળમાં પણ કમળ ખીલશે. એ વાત સાચી પડી છે. આ જીત ખૂબ અભૂતપૂર્વ છે. વર્ષોની કાર્યકરોની સાધનાનું પરિણામ છે. આજ ગંગા મૈયાની આસપાસ બધે જ કમળ ખીલ્યું છે.
ઉત્તરાખંડથી શરૂ થઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને હવે પશ્વિમ બંગાળ સુધી બધે જ ભાજપની સરકાર છે. આજે ભારતનું લોકતંત્ર જ નથી જીત્યું, ભારતનું બંધારણ પણ જીત્યું છે. ૯૩ ટકા મતદાન થવું એ જ એક ઐતિહાસિક બાબત છે.પીએમ મોદીએ કહ્યું કે આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં જે મતદાન થયું તે પણ મહત્ત્વનું બની રહ્યું. એમાં મહિલાઓની, યુવાનોની ભાગીદારી ખૂબ હતી. તેમણે ચૂંટણીપંચ, ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ અને સુરક્ષાદળોને પણ ધન્યવાદ આપ્યા હતા. તેમણે ઉમેર્યું કે આજે દેશના ૨૦થી વધુ રાજ્યોમાં એનડીએની સરકાર છે. અમારો મંત્ર છે - નાગરિક દેવો ભવ: અમે જનતાની સેવામાં સક્રિય છીએ એટલે જનતા ભાજપ પર ભરોસો કરે છે. જ્યાં જ્યાં ભાજપ ત્યાં ત્યાં વિકાસ.
Reporter: admin







