News Portal...

Breaking News :

વડોદરામાં બનેલા પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ C-295 એરક્રાફ્ટે ભરી સફળ ઉડાન, સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ

2026-06-12 10:45:09
વડોદરામાં બનેલા પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ C-295 એરક્રાફ્ટે ભરી સફળ ઉડાન, સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ


વડોદરામાં બનેલા પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ C-295 એરક્રાફ્ટે ભરી સફળ ઉડાન, સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ

ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. દેશનું પ્રથમ સ્વદેશમાં નિર્મિત C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વડોદરાના ટાટા-એરબસ પ્લાન્ટમાં તૈયાર થયા બાદ સફળ ટેસ્ટ ફ્લાઈટ માટે આકાશમાં ઊડ્યું છે. વડોદરાની ફાઈનલ એસેમ્બલી લાઈન પરથી થયેલી આ પ્રથમ ઉડાનને ‘મેક ઈન ઈન્ડિયા’ અને દેશની આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાના મહત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે જોવામાં આવી રહી છે.ભારત અને સ્પેન વચ્ચે થયેલા 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના કરાર હેઠળ પ્રથમ 16 વિમાનો સ્પેનની એરબસ કંપની દ્વારા તૈયાર કરીને ભારતને સોંપવામાં આવશે, જ્યારે બાકીના 40 એરક્રાફ્ટનું નિર્માણ વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા કરવામાં આવશે. દેશમાં પ્રથમ વખત કોઈ ખાનગી કંપની ભારતીય સેનાની જરૂરિયાત માટે સંપૂર્ણ મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, 28 ઓક્ટોબર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન દ્વારા વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્ત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેક્સ દેશની પ્રથમ ખાનગી ફાઈનલ એસેમ્બલી લાઈન છે, જ્યાં મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવે છે.C-295 એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના દાયકાઓ જૂના HS-748 એવરો વિમાનોનું સ્થાન લેશે. 

ઉપરાંત, ભવિષ્યમાં AN-32 જેવા જૂના પરિવહન વિમાનોના વિકલ્પ તરીકે પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. સૈનિકો, હથિયારો, ઈંધણ અને અન્ય લોજિસ્ટિક સામગ્રીના ઝડપી પરિવહન માટે આ વિમાન વાયુસેનાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.આધુનિક ટેક્નોલોજીથી સજ્જ C-295 એરક્રાફ્ટ 73 સૈનિકો અથવા 48 પેરાટ્રૂપર્સને એકસાથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત, મેડિકલ ઇવેક્યુએશન માટે 27 સ્ટ્રેચર અને ચાર મેડિકલ એટેન્ડન્ટ સાથે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આશરે 9,250 કિલોગ્રામ સુધીનું વજન વહન કરવાની ક્ષમતા ધરાવતું આ એરક્રાફ્ટ તમામ પ્રકારની હવામાન પરિસ્થિતિમાં કામગીરી કરી શકે છે.બે પાઇલટ દ્વારા સંચાલિત આ એરક્રાફ્ટ મહત્તમ 482 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને જરૂરિયાત અનુસાર 1,277થી 4,587 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે. ફેરી મોડમાં તેની રેન્જ 5,000 કિલોમીટર સુધી પહોંચી શકે છે. રણપ્રદેશથી લઈને દરિયાકાંઠાના વિસ્તારો સુધી દિવસ-રાત લડાકુ અને લોજિસ્ટિક મિશન હાથ ધરવાની તેની ક્ષમતા તેને ભારતીય વાયુસેના માટે ગેમ-ચેન્જર બનાવે છે.વડોદરામાં બનેલા પ્રથમ મેડ ઈન ઈન્ડિયા C-295 એરક્રાફ્ટની સફળ ટેસ્ટ ફ્લાઈટ સાથે ભારતે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જે દેશને વૈશ્વિક એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી ઓળખ અપાવશે.

Reporter: admin

Related Post