News Portal...

Breaking News :

વાયરલ મેસેજથી ગભરાશો નહીં! 30 જૂન બાદ પણ મળશે LPG ગેસ સિલિન્ડર

2026-06-26 15:30:31
વાયરલ મેસેજથી ગભરાશો નહીં! 30 જૂન બાદ પણ મળશે LPG ગેસ સિલિન્ડર

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવા દાવા વાયરલ થઈ રહ્યા છે કે 30 જૂન 2026 બાદ ઇન્ડેન, ભારત ગેસ અને HP ગેસના LPG કનેક્શન બંધ કરી દેવામાં આવશે અને ગ્રાહકોને ગેસ સિલિન્ડર મળવાનું બંધ થઈ જશે. જોકે, સરકાર દ્વારા આ દાવાઓને સંપૂર્ણપણે અફવા ગણાવી સ્પષ્ટતા કરવામાં આવી છે.


સરકારે જણાવ્યું છે કે દેશભરમાં LPGની સુચારૂ સપ્લાય જાળવી રાખવા, કાળાબજારી અટકાવવા અને એક જ ઘરમાં એકથી વધુ ગેસ કનેક્શન જેવી ગેરરીતિઓ પર નિયંત્રણ લાવવા માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. આ નિયમ સામાન્ય LPG ગ્રાહકો માટે નહીં પરંતુ PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કનેક્શન લેનારા ગ્રાહકો માટે લાગુ પડે છે.

સરકારે 25 મે, 2026ના રોજ જાહેર કરેલા LPG Amendment Order-2026 મુજબ, જે ગ્રાહક પોતાના ઘરે PNG કનેક્શન શરૂ કરાવશે, તેણે 30 દિવસની અંદર પોતાનું જૂનું LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે. આ નિયમ ઇન્ડેન, ભારત ગેસ અને HP ગેસ સહિત તમામ મુખ્ય LPG કંપનીઓ માટે લાગુ પડશે.
ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક 23 જૂને PNG કનેક્શન શરૂ કરાવે છે, તો તેને 23 જુલાઈ સુધીમાં પોતાનું LPG કનેક્શન બંધ કરાવવું પડશે. જો 30 દિવસની અંદર LPG કનેક્શન સરેન્ડર નહીં કરવામાં આવે તો સંબંધિત LPG એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે 30 જૂન બાદ તમામ LPG ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ થઈ જશે અથવા ગેસ સિલિન્ડરની સપ્લાય અટકી જશે, તેવી વાતોમાં કોઈ સત્ય નથી. સામાન્ય LPG ગ્રાહકોને અગાઉની જેમ ગેસ સિલિન્ડરની સપ્લાય મળતી રહેશે. માત્ર PNG કનેક્શન શરૂ કરનાર ગ્રાહકો માટે જ આ નવો નિયમ લાગુ પડશે.

Reporter:

Related Post