અમદાવાદ : અષાઠી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે.

'જય રણછોડ, માખણચોર'ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.મહત્ત્વપૂર્ણ છે કે, દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવશે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા પહેલા જળયાત્રા, નેત્રોત્સવ વિધિ યોજાઈ ચૂકી છે. રથયાત્રામાં 100થી વધુ ટ્રકે પણ ભાગ લીધો છે. આ ટ્રકે રથયાત્રામાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે. ક્યાંક રાફેલ તો ક્યાંક ઓપરેશન સિંદૂરની થીમ પર ટ્રક જોવા મળી રહ્યું છે. વળી, અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટનાને લઈને પણ ટ્રક સજાવવામાં આવ્યું હતું. માનવમહેરામણ આ ટ્રક અને અખાડાઓનો આનંદ લઈ રહ્યા છે. આ સિવાય ભજન મંડળીઓ પણ કાન્હાના ભજન ગાતા-ગાતા આગળ વધી રહ્યા છે. આખાય અમદાવાદમાં જાણે ભક્તિમય માહોલ બની ગયો છે.

ભજન મંડળી અને ટ્રક સાથે રથયાત્રા નગરચર્યાએ નીકળી
ભજન મંડળી, હાથી ટ્રક અને અખાડા સાથે રથયાત્રાનું પ્રસ્થાન, જય જગન્નાથ અને જય રણછોડના નાદ સાથે માનવ મહેરામણ ઉમટ્યું. કૃષ્ણ ભક્તિમાં લીન થયું અમદાવાદ. દિલીપદાસજી મહારાજને જગતગુરુની પદવી મળી જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને અષાઢી બીજ પાવન પર્વના દિવસે તમામ સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગદગુરૂની પદવી આપવામાં આવી છે. હવેથી તેઓ મહામંડલેશ્વરની બદલે જગતગુરૂ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે.રથયાત્રાનો આરંભ થઈ ચુક્યો છે. ત્રણેય રથ એકબાદ એક નિજ મંદિરથી પ્રસ્થાન કરી ચુક્યા છે. ગણતરીના સમયમાં રથયાત્રા જમાલપુર દરવાજાથી આગળ નીકળશે અને જમાલપુર ચકલા પહોંચશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ બાદ રથયાત્રાનું પ્રસ્તાથ થઈ ચુક્યું છે. અમી છાંટણા વચ્ચે ભગવાન જગન્નાથ નગરચર્યા કરવા નીકળ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના લાઈવ દર્શન તમે https://www.jagannathjiahd.org/ પર જોઈ શકો છો.
Reporter: admin