વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલા ‘ઓપરેશન મિશન ક્લીન’ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-04ની ટીમે કાર્યવાહી કરી કારેલીબાગ વિસ્તારમાંથી ઝરીના શેખ નામની મહિલાને વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે. પોલીસે કુલ રૂ.3,900નો મુદ્દામાલ કબજે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-02 નિલેશ જાજડિયા અને નાયબ પોલીસ કમિશ્નર ઝોન-04 એન્ડ્રુ મેકવાનના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-04ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કારેલીબાગ વિસ્તારમાં ઇન્દિરાનગર બ્રિજ પાસે કે.જી.એન. બેકરી નજીક ઝરીના શેખ પોતાના રહેણાંક ઝૂંપડાની બહાર રોડ પર ઉભી રહી છૂટક ગાંજાનું વેચાણ કરે છે.
બાતમીના આધારે એલસીબી ટીમે સ્થળ પર પહોંચી એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઝરીના શેખ પાસેથી અંદાજે 194 ગ્રામ 40 મિલિગ્રામ ગાંજો, જેની કિંમત રૂ.3,500 હોવાનું જણાવાયું છે, તેમજ અન્ય સામાન મળી કુલ રૂ.3,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે ઝરીના શેખ સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપી ફતેમહમદ ઉર્ફે ફતુ શેખ અને સુરતના રેલવે પટરી વિસ્તારના રાજુ નામના શખ્સની શોધખોળ પણ શરૂ કરી છે. કેસની વધુ તપાસ કુંભારવાડા પોલીસ કરી રહી છે.
Reporter: admin







