News Portal...

Breaking News :

મકરપુરામાં વિદેશી દારૂના રૂ.1 કરોડના કેસમાં 8 માસથી ફરાર આરોપી ઝડપાયો

2026-09-03 11:48:00
મકરપુરામાં વિદેશી દારૂના રૂ.1 કરોડના કેસમાં 8 માસથી ફરાર આરોપી ઝડપાયો

મકરપુરામાં વિદેશી દારૂના મોટા કેસમાં 8 માસથી ફરાર સોહિલ મલેક ઝડપાયો

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નોંધાયેલા વિદેશી દારૂના મોટા પ્રોહિબીશન કેસમાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપી સોહિલ ઇસ્માઇલ મલેકને મકરપુરા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, ગત તા. 29 ડિસેમ્બર, 2025ના રોજ માણેજા ક્રોસિંગ ત્રણ રસ્તાથી આગળ સ્કેપલર કંપની સામે આવેલા ખુલ્લા કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ બ્રાન્ડની 750 મિલી અને 180 મિલીની કુલ હજારો બોટલો કબજે કરી હતી. દારૂના જથ્થાની કિંમત અંદાજે રૂ.58.95 લાખ હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1.05 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કેસમાં કેટલાક આરોપીઓ ઝડપાયા હતા, જ્યારે અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. ગુનામાં સંડોવાયેલા સોહિલ ઇસ્માઇલ મલેકની છેલ્લા આઠ માસથી શોધખોળ ચાલી રહી હતી.


પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપીને શોધવા માટે ટીમને સૂચના આપવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળતાં મકરપુરા પોલીસની ટીમે કાર્યવાહી કરી સોહિલ ઇસ્માઇલ મલેકને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપી સામે નોંધાયેલા પ્રોહિબીશન કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post