વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વિદેશી દારૂના ગણનાપાત્ર કેસમાં મકરપુરા પોલીસે વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપી લાલસીંગભાઈ ભુરાભાઈ રાઠવા પર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો મોકલવામાં અને તેની હેરાફેરીમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે.
મળતી માહિતી મુજબ, ગત 25 અને 26 ડિસેમ્બર 2025 દરમિયાન જયનારાયણનગર-2, ડભોઈ રોડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે સંકળાયેલા આરોપીઓ સામે વાડી પોલીસ સ્ટેશનમાં ગુજરાત નશાબંધી અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં કેટલાક આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મકરપુરા પોલીસ દ્વારા કેસની તપાસ દરમિયાન બાતમી અને અન્ય માહિતીના આધારે છોટાઉદેપુર જિલ્લાના નાની સડલી વિસ્તારના રહેવાસી 26 વર્ષીય લાલસીંગભાઈ ભુરાભાઈ રાઠવાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લાલસીંગ રાઠવા પર દારૂનો જથ્થો પાસ-પરમિટ વગર મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસને એક દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસે કાર્યવાહી કરી છે. હવે આરોપીની પૂછપરછના આધારે દારૂની હેરાફેરીમાં સંકળાયેલા અન્ય આરોપીઓ અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Reporter: admin







