News Portal...

Breaking News :

કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે ભયાનક અકસ્માત, લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી

2026-06-17 15:05:06
કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે ભયાનક અકસ્માત, લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી

પાંચથી વધુ મુસાફરોના મોતની આશંકા, 26 ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

વડોદરા: વડોદરા-હાલોલ માર્ગ પર કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક વહેલી સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચથી વધુ મુસાફરોના મોત થયાની માહિતી સામે આવી રહી છે, જ્યારે 26 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ વહેલી સવારે હાલોલથી વડોદરા તરફ આવી રહી હતી. તે દરમિયાન જરોદ નજીક માર્ગ પર ઉભેલી લોડેડ ટ્રક સાથે બસ ધડાકાભેર પાછળથી અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ટ્રકમાં ઘૂસી ગયો હતો.

અકસ્માત સમયે બસમાં સવાર મોટાભાગના મુસાફરો ઘોર નિંદ્રામાં હતા. ટક્કર બાદ બસમાં ચીસો અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા.

અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ કામગીરી માટે NDRF સહિતની ટીમોની મદદ લેવામાં આવી રહી છે. બસના કેબિનનો ભાગ ટ્રકમાં ફસાઈ જતાં કટર મશીનની મદદથી બસનું પતરું કાપીને મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.

અત્યાર સુધીમાં 26 જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર સારવાર દરમિયાન વધુ એક મુસાફરનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. હાલ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

નોંધ: મૃત્યુઆંક અને ઇજાગ્રસ્તોની સંખ્યા અંગેની માહિતી પ્રાથમિક છે અને સત્તાવાર પુષ્ટિ બાદ તેમાં ફેરફાર થઈ શકે છે

Reporter:

Related Post