News Portal...

Breaking News :

જન્માષ્ટમીને લઈ બજારોમાં દહીંહાંડીની ખરીદીનો માહોલ, મટકીના ભાવ યથાવત

2026-09-02 12:55:35
જન્માષ્ટમીને લઈ બજારોમાં દહીંહાંડીની ખરીદીનો માહોલ, મટકીના ભાવ યથાવત

વડોદરા: આગામી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વને લઈ વડોદરાના બજારોમાં દહીંહાંડી (મટકી)ની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની માખણચોરીની લીલા સાથે જોડાયેલા દહીંહાંડી ઉત્સવને લઈને ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને બજારોમાં વિવિધ પ્રકારની મટકીઓ વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે મટકીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો નથી. બજારમાં રૂ.50થી લઈને રૂ.150-200 સુધીની વિવિધ કદ અને ડિઝાઇનની મટકીઓ ઉપલબ્ધ છે. સામાન્ય મટકી ઉપરાંત આકર્ષક રંગોથી સજાવેલી અને વિવિધ પ્રકારના સુશોભન વર્કવાળી દહીંહાંડીઓ પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

બજારમાં કાચી મટકી ઉપરાંત રંગબેરંગી પેઇન્ટિંગવાળી, ‘શ્રી કૃષ્ણ જન્માષ્ટમી’ લખાણ ધરાવતી તેમજ વિવિધ ડિઝાઇન અને સુશોભન વર્કવાળી મટકીઓની રેન્જ જોવા મળી રહી છે. ખાસ કરીને આકર્ષક ડિઝાઇન અને સજાવટવાળી દહીંહાંડીની માંગ વધુ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી મટકીની ખરીદી માટે લોકો બજારોમાં પહોંચી રહ્યા છે. નાના બાળકોમાં મટકી ફોડવાની ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે, જ્યારે યુવાનો પણ દહીંહાંડીના આયોજન માટે મટકીની પસંદગી કરી રહ્યા છે.

દહીંહાંડી માત્ર ધાર્મિક પરંપરા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાની યાદ સાથે સમાજમાં એકતા, સહયોગ અને પરસ્પર વિશ્વાસનો સંદેશ પણ આપે છે. જન્માષ્ટમી નજીક આવતાં બજારોમાં દહીંહાંડીની ખરીદીનો માહોલ આગામી દિવસોમાં વધુ તેજ બનવાની શક્યતા છે.

Reporter: admin

Related Post