'કોઈના દબાણમાં આવવાના નથી', ટ્રમ્પની ટિપ્પણી બાદ જયશંકરની બે ટૂક
ફિનલેન્ડમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતના વિદેશ મંત્રી S. Jaishankarએ રશિયન ઓઇલની ખરીદી અંગે અમેરિકા અને યુરોપના વલણ પર કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત કોઈપણ વૈચારિક કે રાજકીય દબાણ હેઠળ નિર્ણય લેતું નથી અને હંમેશા પોતાના રાષ્ટ્રીય હિતોને જ સર્વોચ્ચ સ્થાન આપે છે.જયશંકરે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે વૈશ્વિક ઓઇલ બજારમાં અસ્થિરતા ન સર્જાય અને કિંમતો કાબૂમાં રહે તે માટે અમેરિકાએ જ ભારતને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું. જોકે બાદમાં ભારતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને રશિયન ઓઇલની આયાત વધારતા પશ્ચિમી દેશોએ તેના પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું.વિદેશ મંત્રીએ અમેરિકાના આ વલણને 'ઓન-ઓફ' અભિગમ ગણાવતા કહ્યું કે જ્યારે પશ્ચિમ દેશોના હિતમાં હોય ત્યારે એક નીતિ અપનાવવામાં આવે છે અને પરિસ્થિતિ બદલાતાં તે જ બાબતને ખોટી ગણાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે ભારત આવા રાજકીય અને આર્થિક ખેલથી સંપૂર્ણપણે વાકેફ છે.
જયશંકરે વધુમાં કહ્યું કે વર્ષ 2022 પહેલાં ભારત રશિયા પાસેથી મર્યાદિત પ્રમાણમાં જ ઓઇલ ખરીદતું હતું. પરંતુ યુદ્ધ બાદ યુરોપીય દેશોએ મધ્યપૂર્વમાંથી મોટા પ્રમાણમાં તેલ ખરીદવાનું શરૂ કરતાં ભારત માટે પરંપરાગત સપ્લાય ચેઇન પર અસર પડી હતી. આવી સ્થિતિમાં ભારતે ઊર્જા સુરક્ષા અને સસ્તા ભાવને ધ્યાનમાં રાખીને રશિયન ઓઇલ તરફ વળવાનો નિર્ણય લીધો હતો.કાર્યક્રમ દરમિયાન યુરોપીય પ્રતિનિધિઓએ ભારત પર રશિયા પ્રત્યે નૈતિક સહાનુભૂતિ રાખવાનો આક્ષેપ કર્યો હતો. તેના જવાબમાં જયશંકરે જણાવ્યું કે કોઈપણ યુરોપીય દેશ પર ભારતીય હથિયારો દ્વારા હુમલો થયો નથી, જ્યારે ભારત સામે ઉપયોગમાં લેવાતા હથિયારો યુરોપીય દેશો દ્વારા પૂરા પાડવામાં આવ્યા હોવાના ઉદાહરણો જોવા મળે છે.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે ક્યારેય એવું કોઈ પગલું ભર્યું નથી જેનાથી યુરોપની સુરક્ષા જોખમમાં મુકાય, પરંતુ યુરોપીય દેશોએ પોતાના વ્યૂહાત્મક હિતોને અનુરૂપ નિર્ણયો લીધા છે. ભારત માટે રાષ્ટ્રીય હિત, ઊર્જા સુરક્ષા અને દેશના નાગરિકોની જરૂરિયાતો હંમેશા પ્રથમ પ્રાથમિકતા રહેશે.
Reporter: admin







