News Portal...

Breaking News :

ઈરાન યુદ્ધથી વૈશ્વિક તેલ બજારમાં મોટો ઝટકો, 4 મહિનામાં 115 કરોડ બેરલ પુરવઠો ગાયબ

2026-06-20 15:49:11
ઈરાન યુદ્ધથી વૈશ્વિક તેલ બજારમાં મોટો ઝટકો, 4 મહિનામાં 115 કરોડ બેરલ પુરવઠો ગાયબ

ઈરાન-અમેરિકા સમજૂતી બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલ્યું હોવા છતાં દુનિયા હજુ તેલ સંકટમાંથી સંપૂર્ણપણે બહાર આવી નથી. એનાલિટિક્સ ફર્મ કેપલરના રિપોર્ટ મુજબ ઈરાન યુદ્ધના લગભગ ચાર મહિનામાં વૈશ્વિક બજારમાંથી 115 કરોડ બેરલ તેલનો પુરવઠો ગાયબ થઈ ગયો છે. આ કારણે દુનિયાના સ્ટ્રેટેજિક અને કોમર્શિયલ ઓઈલ રિઝર્વ ઝડપથી ઘટ્યા છે.

રિપોર્ટ અનુસાર યુદ્ધ દરમિયાન મધ્યપૂર્વમાંથી તેલનો પુરવઠો લગભગ બંધ રહ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં જ 19 કરોડ બેરલ તેલ સ્ટોકમાંથી વપરાઈ ગયું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના સ્ટ્રેટેજિક રિઝર્વ 1990 પછીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે, જ્યારે અમેરિકાનો ઇમરજન્સી રિઝર્વ 43 વર્ષના તળિયે હોવાનું કહેવાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે G7 બેઠક દરમિયાન કહ્યું હતું કે જો યુદ્ધનો અંત ન લાવવામાં આવ્યો હોત તો અમેરિકાના રિઝર્વ માત્ર ચાર અઠવાડિયામાં ખતમ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકતી હતી.


યુદ્ધવિરામ બાદ બ્રેન્ટ ક્રૂડમાં રાહત જોવા મળી છે. યુદ્ધ દરમિયાન 126 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચેલું બ્રેન્ટ ક્રૂડ હવે 80 ડોલરથી નીચે આવી ગયું છે. તેમ છતાં નિષ્ણાતોનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા પછી પણ પુરવઠો તરત સામાન્ય નહીં થાય. પહેલા દરિયાઈ માર્ગોમાંથી લેન્ડમાઈન્સ હટાવવી પડશે, ત્યારબાદ ટેન્કરોની અવરજવર અને ઉત્પાદન વધારવાની પ્રક્રિયા શરૂ થશે. સમગ્ર સપ્લાય ચેઇનને પાટા પર આવવામાં હજુ ઘણા મહિના લાગી શકે છે.

નિષ્ણાતોના મતે યુદ્ધ દરમિયાન ગુમ થયેલા 115 કરોડ બેરલ તેલની ભરપાઈ કરવી સરળ નહીં હોય. જો દુનિયા રોજિંદી માગ કરતાં 50 લાખ બેરલ વધુ તેલનું ઉત્પાદન કરે તો પણ આ ખાધ પૂરી કરવામાં લગભગ એક વર્ષ લાગી શકે છે. હાલમાં દુનિયામાં દરરોજ સરેરાશ 10.3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થાય છે. અમેરિકા, સાઉદી અરબ, રશિયા, કેનેડા અને ઇરાક મળીને વિશ્વની કુલ તેલ સપ્લાયનો લગભગ 40 ટકા હિસ્સો આપે છે. તેથી આ દેશોમાં કોઈપણ ખલેલ વૈશ્વિક બજારને સીધી અસર કરે છે.

Reporter: admin

Related Post