ભારતીય સેનાએ પોતાની ઓળખને વધુ ભારતીય બનાવવાના ઉદ્દેશ સાથે યુનિફોર્મ અને ગ્રૂમિંગ સંબંધિત નિયમોમાં વ્યાપક ફેરફારો જાહેર કર્યા છે. બ્રિટિશ શાસનકાળની અનેક પરંપરાઓને અલવિદા કહી સેનાએ ‘આર્મી યુનિફોર્મ્સ-2026’ નામનું 174 પાનાનું નવું માર્ગદર્શિકા મેન્યુઅલ બહાર પાડ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં પ્રથમ વખત જાહેર થયેલા આ મેન્યુઅલમાં સૈનિકોના વેશભૂષા, દેખાવ અને વર્તન સંબંધિત અનેક મહત્વપૂર્ણ સુધારાઓ સામેલ કરવામાં આવ્યા છે.નવા નિયમો અનુસાર ભારતીય સંસ્કૃતિનું પ્રતીક માનાતી બંધ-ગળાની ‘બંદી જેકેટ’ હવે સત્તાવાર કાર્યક્રમોમાં ફોર્મલ ડ્રેસ તરીકે પહેરી શકાશે. ઉપરાંત તમામ રેન્કના સૈનિકો માટે ‘3બી’ નામનો નવો શિયાળુ ગણવેશ પણ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં અંગોલા શર્ટ, બેટલ જેકેટ અને બેરેટનો સમાવેશ થાય છે.સેનાએ બ્રિટિશ યુગની કેટલીક ઔપચારિક પરંપરાઓને પણ દૂર કરી છે. ‘મેસ ડ્રેસ નંબર-5’ અને ‘નંબર-6’ માંથી સેરેમોનિયલ પાઉચ બેલ્ટને હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે પરેડ દરમિયાન રિવ્યુઇંગ ઓફિસરો માટે તલવાર રાખવી હવે ફરજિયાત નહીં પરંતુ વૈકલ્પિક રહેશે.મહિલા અધિકારીઓ માટે પણ નવા ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યા છે. તેઓ હવે સત્તાવાર કાર્યક્રમોમાં સાદી રંગની સાડી અથવા દુપટ્ટા સાથે કુર્તા-સલવાર અને એન્કલ-લેન્થ સીધી પેન્ટ પહેરી શકશે. જોકે સ્લીવલેસ કુર્તા, પ્લાઝો અને અન્ય કેઝ્યુઅલ વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નવા મેન્યુઅલમાં સૈનિકોના દેખાવ અને ગ્રૂમિંગ અંગે પણ કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. શરીર પર ટેટૂ કરાવવા અથવા પિયર્સિંગ કરાવવા પર પ્રતિબંધ રહેશે. યુનિફોર્મ સાથે ધાર્મિક ચિહ્નો કે બ્રેસલેટ પહેરી શકાશે નહીં. મૂછોની લંબાઈ 12 સેન્ટીમીટરથી વધુ ન હોવી જોઈએ અને ડ્યુટી દરમિયાન ડિઓડરન્ટ કે પરફ્યુમનો ઉપયોગ પણ નહીં કરી શકાય.મહિલા કર્મચારીઓ માટે રંગીન નેલપોલિશ, લિપસ્ટિક, બિંદી અને નોઝ પિન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે સિંદૂર લગાવવાની છૂટ રહેશે પરંતુ તે ટોપી પહેર્યા બાદ દેખાવું ન જોઈએ.સેનાના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ આ તમામ ફેરફારોનો મુખ્ય હેતુ ભારતીય સેનાને ઔપનિવેશિક માનસિકતામાંથી મુક્ત કરી તેને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે વધુ સુસંગત બનાવવાનો છે. નવા નિયમોમાંથી ‘રોયલ’ જેવા બ્રિટિશ કાળના શબ્દોને પણ દૂર કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાં સશસ્ત્ર દળોને બ્રિટિશ પરંપરાઓમાંથી બહાર આવી ભારતીય રીત-રિવાજોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો. ‘આર્મી યુનિફોર્મ્સ-2026’ એ તે દિશામાં લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.
Reporter: admin







