News Portal...

Breaking News :

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી મજબૂતી, 18 કરારો પર સહમતિ

2026-07-11 13:41:27
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી મજબૂતી, 18 કરારો પર સહમતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઐતિહાસિક ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. લગભગ 40 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનેલા મોદીએ બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા પર ભાર મૂક્યો હતો. બેઠક બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 18 મહત્વપૂર્ણ કરારો પર સહમતિ બની હતી. આ કરારોનો ઉદ્દેશ સંરક્ષણ, ડેરી, વેપાર, શિક્ષણ, કૃષિ, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે.

બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી માટે વર્ષ 2030 સુધીનો રોડમેપ તૈયાર કરવા પણ સહમતિ દર્શાવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રોડમેપ દ્વારા બંને દેશોના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો મળશે અને ભવિષ્યમાં સહયોગ માટે સ્પષ્ટ દિશા મળશે.


વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ન્યૂઝીલેન્ડ સ્વાભાવિક ભાગીદાર છે. બંને દેશો લોકશાહી મૂલ્યો, કાયદાના શાસન અને મુક્ત તથા સમાવેશી ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે સમાન પ્રતિબદ્ધતા ધરાવે છે.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને પણ ભારત સાથે આર્થિક, વેપાર અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
બંને દેશોએ રોકાણ, ફૂડ પ્રોસેસિંગ, કૌશલ્ય વિકાસ, પર્યટન, શિક્ષણ, સંરક્ષણ સહયોગ અને લોકો વચ્ચેના સંપર્કને વધારવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદીના આ પ્રવાસથી ભારત અને ન્યૂઝીલેન્ડના દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ મળશે અને આર્થિક તેમજ વ્યૂહાત્મક સહયોગ વધુ મજબૂત બનશે.

Reporter: admin

Related Post