News Portal...

Breaking News :

સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ માટે વડોદરાની ટીમ મેદાને

2026-07-11 12:56:14
સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ માટે વડોદરાની ટીમ મેદાને

સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા પુનઃસ્થાપિત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાએ વિશેષ સફાઈ ટીમ સુરત મોકલી છે. શહેરો વચ્ચે સહયોગ અને આપત્તિના સમયમાં પરસ્પર મદદના ભાગરૂપે મોકલાયેલી આ ટીમ હાલમાં સુરતના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરીમાં વ્યસ્ત છે.

મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ 250થી વધુ સફાઈ કર્મચારીઓ સુરત પહોંચ્યા છે. તેમની સાથે ચાર વોર્ડ ઓફિસર, ચાર સબ સેનિટરી ઇન્સ્પેક્ટર, બે સેનિટરી ઇન્સ્પેક્ટર, બે સબ એસઆઈ અને છ મલ્ટી પર્પઝ વર્કર પણ કામગીરીમાં જોડાયા છે.

ટીમ દ્વારા ડિંડોલી, અંજણા અને વરાછા સહિતના પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરાયું છે. રસ્તાઓ, જાહેર સ્થળો, રહેણાંક વિસ્તારો તેમજ અન્ય સ્થળોએ ભરાયેલા કાદવ, કચરો અને પૂરના કારણે એકત્ર થયેલા ઘન કચરાને ઝડપથી દૂર કરવામાં આવી રહ્યો છે.


આ કામગીરીનો મુખ્ય હેતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા જાળવી જાહેર આરોગ્યનું રક્ષણ કરવું અને લોકોને ઝડપથી સામાન્ય જીવન તરફ પરત લાવવામાં મદદરૂપ થવાનો છે. સ્થાનિક તંત્ર સાથે સતત સંકલન રાખીને સફાઈ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈ પ્રકારની આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી ન થાય.

વડોદરા મહાનગરપાલિકાની આ પહેલને આપત્તિના સમયમાં એક શહેર દ્વારા બીજા શહેરને આપવામાં આવતી સહાયનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે પણ આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા પુનઃસ્થાપિત કરવામાં આ ટીમ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

Reporter: admin

Related Post