વડોદરાના હરણી બોટકાંડને હજુ માંડ ચાર મહિના જેટલો સમય થયો છે ત્યાં તો રાજકોટમાં વધુ એક ગોઝારી ઘટના બની છે. રાજકોટમાં ગણતરીના કલાકોમાં જવાબદાર અધિકારીઓની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી છે અને પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ વડોદરામાં હજુ પણ કેટલાક અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
.
રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. હાઇકોર્ટ દ્વારા પણ આ ઘટનાને લઈને રાજ્ય સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારની મશીનરી કામ નથી કરી રહી જેથી લોકો મરી રહ્યા છે. જો કે સોમવારે સાંજે જ રાજકોટના મ્યુ કમિશનર અને પોલીસ કમિશનરની બદલી કરી દેવામાં આવી હતી. બદલી કરાયેલા અધિકારીઓના બદલે તાત્કાલિક નવા અધિકારીઓને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. અને બદલી કરાયેલા અધિકારીઓની નવી જગ્યા હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે.
વડોદરામાં જાન્યુઆરી મહિનામાં હરણી બોટકાંડ બન્યું હતું આ ઘટનામાં હજુ સુધી જવાબદાર અધિકારીઓ સામે કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી. કોર્ટ દ્વારા તત્કાલીન મ્યુ. કમિશનર સામે તપાસના આદેશ કરાયા છે. પરંતુ શું હાલમાં જે અધિકારીઓ ફરજ પર હતા તેઓની કોઈ જવાબદારી ન હતી? માત્ર નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દઈ સમગ્ર મામલા ઉપર પડદો પાડી દેવામાં આવ્યો છે તેવો ગણગણાટ જોવા મળી રહ્યો છે. વડોદરા હરણી કાંડમાં નાના માસુમ બાળકોના મૃત્યુ થયા હતા પરંતુ પાલિકાની પણ માનવતા મરી પરવારી હોય તેમ કોઈ સામે પોલીસ ફરિયાદ સુધ્ધાં નોંધવામાં આવી નથી. ત્યારે હજુ કેટલાના જીવ લેવાશે? ક્યાં સુધી લોકો આમ જ જીવ ગુમાવતા રહેશે. થોડા નાણાંની લાલચ અને પોતાના મળતિયાઓને ફાયદો કરાવવામાં ક્યાં સુધી આમ જનતા હોમાતી રહેશે. વડોદરામાં પણ માસુમ બાળકોના પરિવારજનો ન્યાય માટેની આશા રાખીને બેઠા છે
Reporter: News Plus