રવિવારે મોડી રાતે નાગપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. બર્થ-ડે પાર્ટીમાં ડ્રિન્ક કર્યા બાદ કાર ફુટપાથ પર ચડાવી દેવાના મામલામાં ૯ લોકો કચડાયા હતા, જેમાં એક બાળક સહિત બે જણનાં મૃત્યુ થયાં હતાં.
કારમાં વીસથી બાવીસ વર્ષના ૭ યુવાન હતા પોલીસે કાર ચલાવનારા આરોપીની ધરપકડ કરી હતી, જયારે ઘાયલ થનારાઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.પુણેનો પોર્શે-કાંડ હજી તાજો જ છે ત્યાં નાગપુરમાં યુવાનોની ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.
પોલીસના જણાવ્યા મુજબ નાગપુરના વાઠોડા પોલીસ-સ્ટેશનની હદમાં દિઘોરી નાકા પાસે રવિવારે મોડી રાતે ૧૨.૩૦ વાગ્યે એક અર્ટિગા કારે ફુટપાથ પર સૂતેલા ૯ લોકોને કચડ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત બાદ આરોપીએ પલાયન થવાના ચક્કરમાં કારને આગળ-પાછળ કરતાં નીચે કચડાયેલા લોકોને ગંભીર ઈજા થઈ હતી.
Reporter: News Plus