News Portal...

Breaking News :

કીર્તિ મંદિર સ્થિત શ્રી દત્તાત્રેય મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી

2026-07-29 11:44:03
કીર્તિ મંદિર સ્થિત શ્રી દત્તાત્રેય મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી

વડોદરા: દેશભરમાં ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. ત્યારે વડોદરા શહેરના ઐતિહાસિક કીર્તિ મંદિર પરિસરમાં આવેલા પૌરાણિક શ્રી દત્તાત્રેય મંદિરમાં પણ ગુરુપૂર્ણિમા મહોત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.

મંદિરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ મંદિરમાં ગાયકવાડ સરકારના ગુરુ તરીકે માન્ય મહારાજની સમાધિ આવેલી છે. તેમના ગુરુસ્થાન તરીકે અહીં શ્રી દત્તાત્રેય ભગવાનની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિર વડોદરાના અતિ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મંદિરોમાંનું એક ગણાય છે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે સવારે ભગવાન શ્રી દત્તાત્રેયનો વિશેષ અભિષેક અને મહાપૂજા કરવામાં આવી હતી. સવારે 8:30 વાગ્યે મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન અને પૂજાનો લાભ લીધો હતો. ઉપરાંત સાંજે 8:30 વાગ્યે ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં માતા-પિતા અને જીવનમાં સાચા જ્ઞાનનો માર્ગ દર્શાવનાર ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. ગુરુપૂર્ણિમાનો દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો પવિત્ર અવસર છે.
આ પ્રસંગે મંદિર તરફથી વડોદરા શહેરના તમામ દત્ત ભક્તોને કીર્તિ મંદિર સ્થિત શ્રી દત્તાત્રેય મંદિરમાં પધારી ભગવાનના દર્શન, આશીર્વાદ અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post