સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર્યા બાદ સમગ્ર વિશ્વમાં ધ્યાન દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક ઘટના ધ્યાનની વાર્ષિક અને વૈશ્વિક ઉજવણીનું સ્થાપન કરે છે. વાર્ષિક ધ્યાન દિવસની ઉજવણી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેના ધ્યાનના પરિવર્તનકારી લાભો તેમજ ધ્યાનની શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવાની ક્ષમતાની ઓળખાણ કરાવે છે. જ્યારે સમગ્ર વિશ્વ એક સાથે ધ્યાન કરશે ત્યારે વડોદરામાં પણ આર્ટ ઓફ લિવિંગ દ્વારા નિઃશુલ્ક ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ૨૧ ડિસેમ્બરના રોજ સાંજે ૬:૩૦ વાગ્યે કમાટીબાગના એમ્ફિથિયેટર ખાતે આયોજિત કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક ગુરુદેવ રવિશંકરજી પોતે વિશ્વના કરોડો લોકોને લાઇવ ઑનલાઈન પ્રસારણ દ્વારા ધ્યાન કરાવશે. ગુરુદેવ રવિ શંકરજી વિશ્વ ધ્યાન દિવસના અનુસંધાનમાં ૨૦ ડિસેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય પર પ્રવચન આપશે. ગુરુદેવ દ્વારા આ મુખ્ય પ્રવચન “વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે ધ્યાન" વિષય પર રહેશે જે પ્રથમ ધ્યાન દિવસના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરશે. તણાવ મુક્તિ અને સંઘર્ષો નો ઉકેલ લાવવા માટેના તેમના અભૂતપૂર્વ પ્રયાસો માટે પ્રખ્યાત એવા ગુરુદેવ, વૈશ્વિક અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ, રાજદૂત અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને સંબોધિત કરશે જેમાં તેઓ ધ્યાનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકશે જે શાંતિ અને એકતા માટે જરૂરી છે.
આ ઉપરાંત ૨૧ ડિસેમ્બર, ભારતીય સમય અનુસાર રાત્રે ૮ વાગ્યે “વર્લ્ડ મેડિટેટ્સ વિથ ગુરુદેવ” કાર્યક્રમ માં ગુરુદેવ વિશ્વવ્યાપી લાઈવસ્ટ્રીમમાં કરોડો લોકોને ધ્યાન કરાવશે. ગુરુદેવ, જેમણે ૧૮૦ દેશોમાં ધ્યાનના પ્રચાર પ્રસાર અને તેનાથી થતા ફાયદા વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે ૪૩ વર્ષ સમર્પિત કર્યા છે, માને છે કે માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિરતા અને સામાજિક સંવાદિતા વિકસાવવાનું સૌથી અસરકારક માધ્યમ ધ્યાન છે. ધ્યાનની પરિવર્તનશીલ ક્ષમતામાં ગુરુદેવની શ્રદ્ધા વિશ્વભરમાં તેમના શાંતિ-સ્થાપના ના પ્રયત્નોમાં સ્પષ્ટ થાય છે. ગુરુદેવે શ્રીલંકા, ઈરાક, વેનેઝુએલા અને કોલંબિયા જેવા સંઘર્ષગ્રસ્ત દેશોમાં મધ્યસ્થી અને શાંતિ વાટાઘાટોનું નેતૃત્વ કર્યું છે, જ્યાં તેમને FARC અને કોલંબિયન સરકાર વચ્ચેના ૫૨ વર્ષ લાંબા સંઘર્ષને સમાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો શ્રેય આપવામાં આવે છે. ભારતમાં, તેમણે ૫૦૦ વર્ષ જૂના સંવેદનશીલ બાબરી મસ્જિદ-રામ મંદિર વિવાદને ઉકેલવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિવિધ સમુદાયો વચ્ચે સંવાદ અને સમજણને પ્રોત્સાહન આપવાનો તેમનો અભિગમ દર્શાવે છે કે ધ્યાન કેવી રીતે સૌથી વિભાજક પરિસ્થિતિઓમાં પણ સ્પષ્ટતા, કરુણા અને સ્થિતિસ્થાપકતા બનાવે છે. ગુરુદેવ કહે છે કે, ધ્યાન માત્ર મનને શાંતિજ નહીં પરંતુ તે ઉચ્ચ દૃષ્ટિકોણ પણ પ્રદાન કરે છે, જે નેતાઓ અને સમુદાયોને સઘન વિભાજનોથી ઉપર ઉઠી શાંતિ તરફ કામ કરવાની શક્તિ પ્રદાન કરે છે.ભૌગોલિક રાજકીય સંઘર્ષોથી લઈને વ્યક્તિગત સંકટો સુધી, ધ્યાન એક સાર્વત્રિક ઉકેલ પ્રદાન કરે છે જે રાષ્ટ્રીયતા, સંસ્કૃતિ અને વિશ્વાસની સીમાઓથી પરે છે. આંતરિક શાંતિને બાહ્ય ક્રિયાઓ સાથે સાંકળીને, તે વૈશ્વિક શાંતિ-નિર્માણના પ્રયાસો માટે પાયાના પથ્થર તરીકે કામ કરે છે.
Reporter: admin