ફિફા વર્લ્ડ કપ 2026માં હવે નોકઆઉટ તબક્કાની રોમાંચક લડાઈ શરૂ થઈ ગઈ છે. રાઉન્ડ ઓફ 32માં 2 જુલાઈએ ત્રણ મહત્વપૂર્ણ મુકાબલા રમાનાર છે, જેમાં સૌથી વધુ નજરો ઇંગ્લેન્ડ અને ડીઆર કોંગો વચ્ચેની ટક્કર તેમજ યજમાન અમેરિકા અને બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના વચ્ચેના મુકાબલા પર રહેશે. આ ઉપરાંત બેલ્જિયમ અને સેનેગલ વચ્ચે પણ રસપ્રદ મેચ રમાશે.
ગ્રુપ સ્ટેજમાં શાનદાર દેખાવ કરનાર ઇંગ્લેન્ડે ગ્રુપ-એલમાં ત્રણમાંથી બે મેચ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી. બીજી તરફ ડીઆર કોંગોએ ગ્રુપ-એમાં એક જીત, એક ડ્રો અને એક હાર સાથે નોકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. ઇંગ્લેન્ડ કાગળ પર મજબૂત ટીમ ગણાય છે, પરંતુ ડીઆર કોંગોને હળવાશથી લેવાની ભૂલ કરવા તૈયાર નથી. બંને ટીમો વચ્ચેની મેચ ભારતીય સમય મુજબ 1 જુલાઈએ રાત્રે 9:30 વાગ્યે રમાશે.
દિવસની બીજી મહત્વપૂર્ણ મેચમાં બેલ્જિયમનો સામનો સેનેગલ સાથે થશે. ગ્રુપ-જીમાં ટોચનું સ્થાન મેળવી બેલ્જિયમે આત્મવિશ્વાસ સાથે નોકઆઉટમાં પ્રવેશ કર્યો છે, જ્યારે સેનેગલે ગ્રુપ-આઈમાં ત્રીજા ક્રમે રહી આગળ વધ્યું છે. આ મેચ ભારતીય સમય મુજબ 2 જુલાઈએ રાત્રે 1:30 વાગ્યે શરૂ થશે.
યજમાન અમેરિકા માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વનો રહેશે. ગ્રુપ સ્ટેજમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ અમેરિકા હવે બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના સામે મેદાનમાં ઉતરશે. ઘરઆંગણે રમવાનો ફાયદો અમેરિકાને મળી શકે છે, પરંતુ બોસ્નિયા પણ ઉલટફેર કરવાની ક્ષમતા ધરાવે છે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો ભારતીય સમય મુજબ 2 જુલાઈએ સવારે 5:30 વાગ્યે રમાશે.
ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં હવે દરેક મેચ 'કરો અથવા મરો' જેવી બની ગઈ છે. હારનાર ટીમનું ટૂર્નામેન્ટમાંથી પત્તું કપાઈ જશે, જ્યારે જીતનાર ટીમ રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરશે. તેથી વિશ્વભરના ફૂટબોલ ચાહકોની નજર હવે આ રોમાંચક મુકાબલાઓ પર ટકેલી છે.
Reporter: admin







