News Portal...

Breaking News :

એક જુલાઈથી દેશભરમાં અનેક નવા નિયમો અમલમાં: LPG, પાસપોર્ટ, આધાર અને વાહનો મોંઘા, સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર

2026-07-01 15:42:11
એક જુલાઈથી દેશભરમાં અનેક નવા નિયમો અમલમાં: LPG, પાસપોર્ટ, આધાર અને વાહનો મોંઘા, સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર

 નવા મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં અનેક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા છે. 1 જુલાઈથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે પાસપોર્ટ ફીમાં વધારો, વાહનોના ભાવમાં વધારો, આધાર અપડેટની નવી સુવિધા અને કેટલાક ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર જેવા નિર્ણયો અમલમાં આવ્યા છે. આ તમામ ફેરફારોની સીધી અસર સામાન્ય નાગરિકોના દૈનિક જીવન અને ખર્ચ પર પડશે.


તેલ વિતરણ કરતી કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹183.50નો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં હવે આ સિલિન્ડર ₹2,930માં મળશે, જ્યારે અગાઉ તેની કિંમત ₹3,113.50 હતી. જોકે, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે યથાવત રાખવામાં આવ્યો છે.

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ આધારધારકોને મોટી રાહત આપી છે. હવે 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી આધાર કાર્ડમાં ઈ-મેલ આઈડી સહિતની માહિતી ઓનલાઈન નિઃશુલ્ક અપડેટ કરી શકાશે. અગાઉ આ સેવા માટે ₹75 ફી ચૂકવવી પડતી હતી. આ નિર્ણયનો હેતુ વધુમાં વધુ લોકો તેમના આધારની માહિતી અપડેટ કરે તેવો છે.


કેન્દ્ર સરકારે પાસપોર્ટની ફીમાં પણ વધારો કર્યો છે. સામાન્ય પાસપોર્ટ માટેની ફી હવે ₹1,500ના બદલે ₹2,500 કરવામાં આવી છે, જ્યારે તત્કાલ પાસપોર્ટ માટેની ફી ₹3,500થી વધારી ₹5,000 કરવામાં આવી છે. નવી ફી 1 જુલાઈથી અમલમાં આવી ગઈ છે.

વાહન ખરીદવાનું આયોજન કરનારાઓને પણ વધારાનો ખર્ચ કરવો પડશે. ટાટા મોટર્સ, કિયા, એમજી મોટર્સ અને બીએમડબ્લ્યુ સહિતની કંપનીઓએ પોતાના વાહનોના ભાવમાં 1.5થી 3 ટકા સુધીનો વધારો કર્યો છે. કંપનીઓનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


તે ઉપરાંત, એસબીઆઈ કાર્ડ અને એચડીએફસી બેંકે પોતાના કેટલાક ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. એસબીઆઈ કાર્ડે કેટલાક ટ્રાન્ઝેક્શન પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સમાં ઘટાડો કર્યો છે, જ્યારે એચડીએફસી રેગાલિયા ગોલ્ડ કાર્ડધારકોને હવે નિઃશુલ્ક એરપોર્ટ લાઉન્જ સુવિધા માટે દર ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછો ₹60 હજારનો ખર્ચ કરવો ફરજિયાત રહેશે.

Reporter: admin

Related Post