પર્યાવરણવાદીઓ અને વન્યજીવ માટેનાં NGO એ પાલિકાને અંતિમ ચેતવણી આપી
વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને બ્યુટિફિકેશન પ્રોજેક્ટ સામે પ્રચંડ આક્રોશ: કરોડોની ગ્રાન્ટનું આંધણ, પણ મગરો સહિતના વન્યજીવોના પ્રજનન કાળમાં ગંભીર બેદરકારી, પર્યાવરણવાદીઓની સત્તાધીશોને અંતિમ ચેતવણી, જો નિયમોનું પાલન નહીં થાય તો કોર્પોરેશન અને વન વિભાગ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનાહિત કેસ દાખલ કરાશે.
વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીના કિનારે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા કરોડો રૂપિયાના વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને બ્યુટિફિકેશન પ્રોજેક્ટની કામગીરી હવે વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે. વડોદરાના 40થી વધુ અગ્રણી પર્યાવરણવાદીઓ, સામાજિક કાર્યકરો અને જીએસપીસીએ જેવી સંસ્થાઓએ આ આડેધડ ચાલતા ખોદકામ અને સફાઈની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવી તાત્કાલિક કામ રોકવાની માંગ કરી છે. આરોપ છે કે હાલ મગરોનો અત્યંત સંવેદનશીલ એવો પ્રજનન સમય ચાલી રહ્યો છે. આમ છતાં મહાનગરપાલિકાના આંધળા ઇજનેરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા નદીનાં કુદરતી જળચર જીવતંત્ર અને પર્યાવરણને નેસ્તનાબૂદ કરવા માટે હેવી મશીનરી ઉતારી દેવામાં આવી છે. કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટો વાપરવામાં મશગૂલ કોર્પોરેશન વન્યજીવોના સંરક્ષણ માટે સાવચેતી રાખવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે.વાઇલ્ડલાઇફ સંસ્થા જીએસપીસીએના અગ્રણી રમેશભાઈએ મીડિયા સમક્ષ તંત્રની પોલ ખોલતા જણાવ્યું હતું કે ગયા વર્ષે જ્યારે નદીમાં સફાઈ અને વિકાસની કામગીરી હાથ ધરાઈ હતી, ત્યારે નિયમોનું ચુસ્ત પાલન કરીને વન્યજીવોના રેસ્ક્યુ અને દેખરેખ માટે 43 જેટલા તાલીમબદ્ધ માણસો મૂકવામાં આવ્યા હતા. આ વખતે સમીક્ષા બેઠકમાં વન વિભાગ અને સ્થાનિક એનજીઓનાં સ્વયંસેવકોને ફરજિયાત સાથે રાખવાની સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો પણ કડક આદેશ છે કે સ્થાનિક એનજીઓ અને વાઇલ્ડલાઇફ એક્સપર્ટ્સની હાજરી વગર નદીનાં પટમાં કોઈ કામ ન કરવું. આમ છતાં, હાલ વડોદરામાં વહીવટી તંત્રના અહંકાર અને ઇજારદારોની મનમાનીના કારણે આવી કોઈ તકેદારી રાખવામાં આવી નથી. કોર્પોરેશને સમગ્ર પ્રોજેક્ટ માટે માંડ 5 માણસો આપ્યા છે! આ 5 માણસો નદી કિનારે ચાલતા અલગ-અલગ કામો પર કેવી રીતે પહોંચી વળે? કમાટીબાગ અને તેની આસપાસનાં વિસ્તારોમાં જ અંદાજે 35 જેટલા મગરોનો વસવાટ હોવાથી ભારે હોબાળા બાદ ત્યાં કામગીરી બે મહિનાથી બંધ કરવી પડી છે. અમે છેલ્લા બે મહિનામાં 4 થી 5 વાર લેખિતમાં રજૂઆત કરી કે ફિલ્ડ પર માણસોની સંખ્યા વધારો, પણ તંત્રના બહેરા કાને કોઈ અવાજ સંભળાતો નથી. વિશ્વામિત્રી નદીના પટ અને કિનારાઓ મગરો સહિતના પ્રાણીઓની પ્રજનન ભૂમિ છે. ખોદકામ દરમિયાન વન્યજીવ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનના આંકડા અને ઉપલબ્ધ તસવીરો તંત્રની ગંભીર લાપરવાહી સાબિત કરવા માટે પૂરતા છે.નદી કિનારે મંગલ પાંડે બ્રિજ પાસે જે રીતે જેસીબી અને હિટાચી મશીનો વડે ભેખડો તોડવામાં આવી રહી છે, ત્યાંથી મગરના 25 ઇંડા મળી આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે છેલ્લા 74 દિવસની કપરી કામગીરી દરમિયાન વાઇલ્ડલાઇફ સંસ્થાઓને કુલ 28 મગરના બચ્ચા સુરક્ષિત મળ્યા છે.
જેમાંથી 25 ઇંડામાંથી 11 ઇંડા કુદરતી રીતે ફૂટતાં તેમાંથી નવજાત બચ્ચાઓનો સફળ જન્મ થયો છે, જેમને હાલ ઝૂ પ્રાણીસંગ્રહાલય ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ મોકલાયા છે. આ ઉપરાંત ફિલ્ડ પરથી ટીટોડીના 24 ઇંડા, તેતરનાં 3 બચ્ચા, 1 જીવતો નાનો મગર તેમજ 9 સાપ રેસ્ક્યુ કરીને કુદરતી રહેઠાણમાં મુક્ત કરાયા છે. જ્યારે અન્ય વન્યજીવો જેવા કે વણિયર અને ઘુવડ ખોદકામ કે અન્ય અકસ્માતને કારણે મૃત હાલતમાં પણ મળી આવ્યા છે.પર્યાવરણવાદીઓએ આ મામલે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને લેખિતમાં ગંભીર આક્ષેપો કરતી અરજી સોંપી છે. વન્યજીવ કાર્યકરોના જણાવ્યા મુજબ શિડ્યુઅલ-1ના સંરક્ષિત જીવ એવા મગરોના નિવાસસ્થાનમાં કોઈપણ પ્રકારની દખલગીરી કરવા માટે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસરની લેખિત પૂર્વ-મંજૂરી અનિવાર્ય છે. પરંતુ વડોદરા કોર્પોરેશનના અણસમજુ ઇજનેરો અને નફાખોર ઇજારદારો પાસે આવી કોઈ સત્તાવાર મંજૂરી નથી. વન વિભાગે પણ મૌન ધારણ કરીને કોર્પોરેશનને છાવરવાનો પ્રયાસ કર્યો છે.છેલ્લા 74 દિવસમાં 28 જેટલા મગરના બચ્ચા, 24 ટીટોડીના ઇંડા અને 3 તેતરનાં બચ્ચાઓને વન્યજીવ પ્રેમીઓએ પોતાની મહેનતથી બચાવ્યા છે, જેમાં કોર્પોરેશનનું કોઈ યોગદાન નથી. ઉલટું વણિયર અને ઘુવડ જેવા જીવો તંત્રની લાપરવાહીના કારણે મોતના મુખમાં ધકેલાયા છે.એનજીટીના આદેશો મુજબ સ્થાનિક વાઇલ્ડલાઇફ સંસ્થાઓને સાથે રાખીને પૂરતા માણસો તૈનાત કરવામાં આવતાં નથી. પર્યાવરણવિદોએ તંત્રને ચેતવણી આપી છે કે નદી-નાળા સાફ કરવાના નામે કરોડો રૂપિયા વટાવવાનું આ કૌભાંડ બંધ કરો. જ્યાં સુધી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટના તમામ નિયમોનું પાલન ન થાય અને તમામ સક્ષમ વન વિભાગીય મંજૂરીઓ ટેબલ પર ન મૂકાય, ત્યાં સુધી એક ઇંચ પણ ખોદકામ આગળ વધવા દેવામાં નહીં આવે.
Reporter: admin







