News Portal...

Breaking News :

અઢી કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઈન પર વારંવાર ભંગાણ થવાથી 79.29 કરોડના ખર્ચે નવી નાખવામાં આવશે

2025-03-22 13:38:01
અઢી કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઈન પર વારંવાર ભંગાણ થવાથી 79.29 કરોડના ખર્ચે નવી નાખવામાં આવશે


વડોદરા : શહેરના પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12 માં વર્ષો જૂની આશરે અઢી કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઈન પર વારંવાર ભંગાણ થવાથી આ લાઈન હવે નવી નાખવી પડે તેમ હોવાથી કોર્પોરેશન દ્વારા 79.29 કરોડના ખર્ચે નાખવામાં આવશે. સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.



અકોટા શ્રેણિક પાર્ક સર્કલથી અકોટા- દાંડીયા બજાર બ્રીજ જંકશન થઈ અકોટા મુંજમહુડા, શિવાજી સર્કલ થી અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી જતી આ 72 ઇંચનો વ્યાસ ધરાવતી ડ્રેનેજ ગ્રેવિટી લાઈન ધ્વારા ગોરવા, અલકાપુરી, બીપીસી રોડ, અકોટા રોડ, જેતલપુર, વડીવાડી, કાલાઘોડા વિસ્તારના પંપીંગ સ્ટેશનનું ડ્રેનેજનું પાણી અટલાદરા પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ માટે મોકલાય છે. ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પૂરને લીધે પ્રેશર વધતા અને જૂની લાઈન હોવાથી આ લાઈન ઉપર વારંવાર ભંગાણ થયું હતું. 


હજુ પણ ભંગાણ પડવાનું ચાલુ છે. જેથી ડ્રેનેજના પાણીના નિકાલનો પ્રશ્ન ઊભો થયો છે. ડ્રેનેજ લાઈન પર ભંગાણના કારણે વાહન વ્યવહારની સલામતી પણ જોખમાય છે. સલાહકાર દ્વારા લાઈનનો સર્વે કર્યા બાદ સ્ટ્રક્ચરલી સક્ષમ, 50 વર્ષ ઉપરાંતની લાઈફ ધરાવતી લાઈન નાખવા સૂચવ્યું હોવાથી કોર્પોરેશને આ નવી લાઈન નાખવા નિર્ણય કર્યો છે. વરસાદ દરમિયાન નુકસાન પામેલી લાઈનોના રીપેરીંગ માટે સરકાર ખાસ ગ્રાન્ટ આપનાર છે તેમાંથી આ ખર્ચ કરવામાં આવશે.

Reporter: admin

Related Post