શહેરના અલકાપુરી વિસ્તારમાં એક્સપ્રેસ હોટલની ગલીમાં આવેલ શ્રી હરિ કોર્નરમાં રહેણાંક મંજૂરીના 6 ફ્લેટમાં 24 કલાક ધમધમતી ડોક્ટર સોનિયા દલાલ પલ્મોનોલોજીસ્ટની કલ્યાણ હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી સીલ મારવા માટેની ફરિયાદ પાલિકાના અધિકારીઓ સમક્ષ કરવામાં આવી છે.

અલકાપુરીમાં એક્સપ્રેસ હોટલની ગલીમાં શ્રી હરિ કોર્નરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી તમામ દુકાનોના માલિક જીગ્નેશ કનૈયાલાલ મહેતાએ પાલિકાના અધિકારીઓ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું છે કે શ્રી હરિ કોર્નર બિલ્ડીંગ 2000ના વર્ષમાં બનાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોને છોડીને ઉપરના માળે કોઈ કોમર્શિયલ મંજૂરી અપાઇ નથી. બિલ્ડીંગમાં પહેલા માળે બે ફ્લેટ બીજા માળે બે ફ્લેટ અને ત્રીજા માળે બે ફ્લેટની માત્ર રહેણાંકની મંજૂરી અપાઇ છે. કોઈ હોસ્પિટલને મંજૂરી અપાઈ નથી. અરજીમાં વધુમાં જણાવ્યું છે કે આ બિલ્ડિંગમાં પહેલા બીજા અને ત્રીજા માળના કુલ છ ફ્લેટમાં ડોક્ટર સોનિયા દલાલની કલ્યાણ હોસ્પિટલ 24 કલાક ધમધમે છે. કલ્યાણ હોસ્પિટલને ચલાવવા માટે બાંધકામ પરવાનગીએ કોઈ મંજૂરી આપી નથી તથા વખતો વખતના ગુજરાત હાઇકોર્ટના ડાયરેક્શન મુજબ હોસ્પિટલ પરવાનગી વખતે પાલિકાના વિવિધ વિભાગે પણ તમામ પ્રકારની ચકાસણી કર્યા બાદ જ મંજૂરી આપવાની થાય છે. આ ઉપરાંત ઈમરજન્સી એક્ઝિટ પણ અનિવાર્ય છે અને જો ફાયરની એનઓસી અપાઈ હોય તો તે પણ તપાસનો વિષય બને છે. તેમણે અરજીમાં વધુમાં જણાવ્યું છે કે મોટા ગેસ સિલિન્ડર માટે સહિયારા પાર્કિંગમાં કાયમી સ્ટ્રક્ચર ઊભું કરાવ્યું છે, જે રહેણાંક વિસ્તાર માટે જીવતા બોમ્બ સમાન છે.
જાહેર જનતા તથા આસપાસના રહીશો અને હોસ્પિટલના દર્દીઓની સલામતીનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી. પાર્કિંગમાં જનરેટર પણ મૂકવામાં આવ્યું છે. અરજીમાં વધુમાં જણાવ્યું છે કે બાંધકામ પરવાનગી વિભાગે જો કાયદાની ઐસી તૈસી કરીને પાર્ટ ઇમ્પેક્ટથી મંજૂરી આપી હોય તો રદ્ થવા પાત્ર છે. અન્ય કોઈ ઇમ્પેક્ટની ફાઈલ મુકાઈ હોય તો તેની સામે અમારો સખત વાંધો છે .કોરોના સમયે પણ આ હોસ્પિટલ અનઅધિકૃત રીતે ચલાવાઈ હતી પણ અત્યાર સુધી માનવતાની દ્રષ્ટિએ અમે કોઈ વિરોધ કર્યો ન હતો. અમારી ચાર દુકાનોની સામે જ ડોક્ટરોની ત્રિપુટી તથા તેમના દર્દીઓના વાહનો રાત દિવસ મૂકી રાખે છે .આ કોમર્શિયલ પાર્કિંગ માત્ર દુકાન માટે છે. બિલ્ડીંગના અવરજવરના રસ્તા પર સાંકળ બાંધી પોતાનું અલાયદૂ ગેરકાયદેસર પાર્કિંગ ઊભું કરેલું હોવા છતાં ડોક્ટર ત્રિપુટી અને દર્દીઓ અમારી દુકાનમાં કોઈ ગ્રાહક અવર-જવર ના કરી શકે તે માટે અમારી દુકાનોની સામે જ પાર્કિંગ કરીને જતા રહે છે તેમણે વધુમાં જણાવ્યું કે સીજી ડીસીઆર નો ભંગ થતો હોવા છતાં પાલિકાની વોર્ડ ઓફિસ ,બાંધકામ પરવાનગી શાખા, આરોગ્ય વિભાગ ,અને ફાયર વિભાગ દ્વારા જો 24 કલાક ફ્લેટમાં હોસ્પિટલ ચલાવવા પરવાનગી આપી હોય તો તે રદ્ થવાને પાત્ર છે. માત્ર કોમર્શિયલ વેરો ભરવાથી હોસ્પિટલ કાયદેસરની થઈ જતી નથી. જે હેતુ માટે બાંધકામની પરવાનગી મળી છે તે રહેણાંક જ છે તેથી ફ્લેટમાં હોસ્પિટલનો વપરાશ ગેરકાયદેસર ગણી શકાય .તેમણે અરજીમાં કહ્યું છે કે આ ફ્લેટમાંથી કેટલાક ફ્લેટ તેના મૂળ માલિકો પાસેથી ભાડેથી લેવાયેલા છે તેમણે પાલિકાના અધિકારીઓ સમક્ષ માંગ કરી હતી કે બાંધકામ પરવાનગી વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ ચકાસણી, પુનઃ માપણી તથા પરવાનગીઓ ચકાસણી થાય ફાયર એનઓસી અને આરોગ્ય વિભાગની એનઓસી સહિદ અન્ય પરવાનગી ધ્યાનમાં લઇ બિલ્ડીંગને તાત્કાલિક અસરથી સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
Reporter: admin







