News Portal...

Breaking News :

ડભોઇ રોડના ધાબામાં દાળમાંથી મકોડો, પનીરના શાકમાં વાળ; ભોજનની ગુણવત્તા સામે સવાલ

2026-08-17 17:32:24
ડભોઇ રોડના ધાબામાં દાળમાંથી મકોડો, પનીરના શાકમાં વાળ; ભોજનની ગુણવત્તા સામે સવાલ

વડોદરા જિલ્લાના ડભોઇ રોડ પર ધરવાસા ચોકડી નજીક આવેલા શ્રી ક્રિષ્ના કાઠીયાવાડી ધાબામાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ગ્રાહકના આક્ષેપ મુજબ, ધાબામાં પીરસાયેલી દાળમાંથી મકોડો મળી આવ્યો હતો, જ્યારે પનીરના શાકમાં વાળ જોવા મળ્યો હતો.

ભોજનમાં વાંધાજનક વસ્તુઓ મળી આવતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ધાબામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાણોદ-કરનાળી તરફ જતા યાત્રાળુઓ સહિત મોટી સંખ્યામાં લોકો ભોજન કરતા હોવાના કારણે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાને લઈને વધુ ગંભીર સવાલો ઊભા થયા છે.

ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવતા સંચાલક તરફથી “બાય મિસ્ટેક થઈ ગયું” એવો જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. બીજી તરફ, જ્યાં ભોજન તૈયાર કરવામાં આવે છે તે રસોડામાં પણ સ્વચ્છતાના અભાવની સ્થિતિ જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભોજનમાં જીવાત અને વાળ મળી આવવાના આક્ષેપ બાદ હવે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધાબાની તપાસ કરવામાં આવે છે કે નહીં અને ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર છે.

આ ઘટનાને પગલે ગ્રાહકો દ્વારા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે તંત્ર દ્વારા નિયમિત તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. જોકે, સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

Reporter: admin

Related Post