News Portal...

Breaking News :

ઐતિહાસિક વારસાનાં સંરક્ષણ અને સુશોભનનાં નામે કરોડોનું આંધણ

2026-04-19 13:07:48
ઐતિહાસિક વારસાનાં સંરક્ષણ અને સુશોભનનાં નામે કરોડોનું આંધણ

અંધેરીનગરીને ગંડુ રાજા
સ્માર્ટ સિટીના દરવાજે અંધેર વહીવટ, અપાત્ર એજન્સી પર અધિકારીઓ મહેરબાન
માંડવી- પાણીગેટ- લહેરીપુરા- ચાંપાનેર- ગેંડીગેટ પર ફાસાડ લાઈટિંગ(રોશની) કરવાનાં 4.97 કરોડ !!
ધારા ઈલેક્ટ્રિકલ્સ કોન્ટ્રાક્ટરને કામ આપાવવા ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓએ નિયમોને નેવે મુક્યા
વડોદરા સ્માર્ટ સિટીના ફાસાડ લાઈટિંગ પ્રોજેક્ટમાં ૪.૯૭ કરોડના ટેન્ડરિંગના ધજાગરા.
માંડવી, પાણીગેટ, લહેરીપુરા, ચાંપાનેર અને ગેંડી ગેટ પર ફાસાડ લાઈટિંગ કરવાના અંદાજે ૪.૯૭ કરોડનાં પ્રોજેક્ટમાં ગંભીર વહીવટી અનિયમિતતાઓ સામે આવી છે


વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (VSCDL) દ્વારા શહેરનાં પાંચ ઐતિહાસિક દરવાજાઓ - માંડવી, પાણીગેટ, લહેરીપુરા, ચાંપાનેર અને ગેંડી ગેટ પર ફાસાડ લાઈટિંગ કરવાના અંદાજે ₹4.97 કરોડના પ્રોજેક્ટમાં ગંભીર વહીવટી અનિયમિતતાઓ સામે આવી છે. વર્ષ ૨૦૨૫ના ઓડિટ રિપોર્ટ અને તેના જવાબના વિશ્લેષણ મુજબ, આ પ્રોજેક્ટની સમગ્ર ટેન્ડરિંગ પ્રક્રિયામાં નિયમોની જે રીતે અવગણના કરવામાં આવી છે તે જોતા તંત્રના વહીવટ સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે.પ્રોજેક્ટની ટેકનિકલ શરતો મુજબ ભાગ લેનાર એજન્સી પાસે સમાન પ્રકારના કામનાં ઓછામાં ઓછા પાંચ અનુભવ પ્રમાણપત્રો હોવા ફરજિયાત હતા. જોકે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) ના ટેકનિકલ રિપોર્ટમાં સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું હતું કે ‘ધારા ઇલેક્ટ્રિકલ્સ’ પાસે માત્ર ચાર જ માન્ય પ્રમાણપત્રો છે, જે તેને આ કામ માટે અપાત્ર (Ineligible) ઠેરવે છે. તેમ છતાં, તંત્રએ પીએમસીના આ નકારાત્મક અભિપ્રાયને બાજુ પર રાખીને આ એજન્સીને ટેકનિકલ રીતે પાત્ર ગણી કામની સોંપણી કરી હતી.વધુમાં, ટેન્ડરની ૧૨૦ દિવસની વેલિડિટી પૂર્ણ થયાના ૧૪૪ દિવસ બાદ કોઈપણ પ્રકારના વિધિવત એક્સટેન્શન વગર પ્રક્રિયા આગળ ધપાવવી એ ટેન્ડરિંગ પ્રોટોકોલનું ગંભીર ઉલ્લંઘન સૂચવે છે. એટલું જ નહીં, એમએસએમઈ (MSME) એકમોને મળવાપાત્ર પ્રોત્સાહન અને છૂટછાટ ન આપીને સ્પર્ધાત્મક વાતાવરણને મર્યાદિત કરી દેવાયું હતું, જેનાં કારણે ત્રણ વારના પ્રયત્નો છતાં માત્ર એક જ એજન્સી મેદાનમાં રહી શકી હતી.આ સમગ્ર મામલે તંત્રએ પોતાનાં જવાબમાં સ્વીકાર્યું છે કે સ્માર્ટ સિટીના નેશનલ રેન્કિંગમાં પાછળ ન પડી જવાય અને ઉચ્ચ સ્તરીય મીટિંગોમાં લક્ષ્યાંકો પૂરા દેખાય તે માટે ઉતાવળે આ નિર્ણયો લેવાયા હતા. શું માત્ર રેન્કિંગ જાળવવા માટે વહીવટી પારદર્શિતા અને નિયમો સાથે બાંધછોડ કરવી એ યોગ્ય ગણી શકાય? આ ‘સ્માર્ટ’ ગોઠવણોએ સ્માર્ટ સિટીના મૂળ ઉદ્દેશ્ય અને પારદર્શક વહીવટ સામે જ ગંભીર સવાલો ઊભા કર્યા છે. આખરે જનતાનાં પરસેવાના કરોડો રૂપિયા ખર્ચીને દરવાજાઓ તો રોશનીથી ઝળહળી ઉઠ્યા, પણ જ્યારે વાત નીતિ-નિયમોની આવે છે ત્યારે અધિકારીઓ જ પ્રોજેક્ટની પારદર્શિતાના ‘ફ્યુઝ’ ઉડાવી દેવામાં માહિર સાબિત થાય છ. 



તંત્રએ સ્વીકાર્યું છે કે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં વર્ક ઓર્ડર આપવાનું દબાણ હોવાથી સમયમર્યાદામાં બાંધછોડ કરાઈ હતી.


નિયમોનું ઉલ્લંઘન: એજન્સીએ માલની ડિલિવરી માટે ૩૦ દિવસના બદલે ૧૨૦ દિવસ માંગ્યા હતા, જે ‘કન્ડિશનલ બિડ’ હોવા છતાં સ્વીકારી લેવામાં આવી હતી.


શું સ્માર્ટ સિટીના રેન્કિંગમાં આગળ રહેવા માટે સરકારી તિજોરી પર જોખમ ઊભું કરવું અને નિયમો નેવે મૂકવા એ તર્કસંગત વહીવટ છે?પીએમસીએ જ્યારે એજન્સીને અપાત્ર ઠેરવી હતી, ત્યારે કયા સંજોગોમાં અને કયા અધિકારીના સ્તરે તેને પાત્ર ઠેરવી કામ સોંપવામાં આવ્યું?એમએસએમઈ એકમોને મળવાપાત્ર લાભો ન આપીને માત્ર એક જ એજન્સીને પ્રોજેક્ટ મળે તેવી સ્થિતિ ઊભી કરવા પાછળનો હેતુ શું હોઈ શકે?ટેન્ડર વેલિડિટી પૂર્ણ થયાના ૧૪૪ દિવસ પછી પણ કોઈપણ પૂર્વ મંજૂરી વગર પ્રોજેક્ટ એનાયત કરનારા જવાબદારો સામે કોઈ તપાસ થશે ખરી?શું પીએમ લેવલના મોનિટરિંગ અને ડેડલાઈનનું બહાનું ધરીને વર્ષ ૨૦૨૫માં કરવામાં આવેલી આ વહીવટી ક્ષતિઓ માટે કોઈની જવાબદારી નક્કી કરવામાં આવશે?ઐતિહાસિક વારસાનાં સંરક્ષણ અને સુશોભનના નામે થયેલા આ વહીવટમાં પારદર્શિતા જાળવવામાં તંત્ર કેમ નિષ્ફળ રહ્યું?

Reporter: admin

Related Post