News Portal...

Breaking News :

લાલબાગ ટાંકી ઉપર સેફ્ટીનાં સાધનો વગર અધ્ધર શ્વાસે કામ કરતા શ્રમિકો

2026-06-13 10:24:44
લાલબાગ ટાંકી ઉપર સેફ્ટીનાં સાધનો વગર અધ્ધર શ્વાસે કામ કરતા શ્રમિકો


લાલબાગ ટાંકી ઉપર સેફ્ટીનાં સાધનો વગર અધ્ધર શ્વાસે કામ કરતા શ્રમિકો

કોર્પોરેશનના ભ્રષ્ટ શાસનમાં નિર્દોષ મજૂરોના જીવના જોખમે ખિસ્સા ભરવાનો ખુલ્લો ખેલ ફરી એકવાર સામે આવ્યો છે. લાલબાગ ખાતે આવેલી પાણીની ટાંકીના રિનોવેશનનું કામ હાલમાં ચાલી રહ્યું છે, પરંતુ આ કામગીરી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તથા ઘોર બેદરકારીનો જીવતો-જાગતો પુરાવો બની ગઈ છે. આકાશને આંબતી ઊંચી ટાંકી પર કોઈ પણ પ્રકારનાં સેફ્ટી સાધનો — જેમ કે સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે પ્રોટેક્શન નેટ — વગર જ શ્રમિકો અધ્ધર શ્વાસે પ્લાસ્ટરનું કામ કરી રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. વીડિયો સામે આવ્યા બાદ જનતામાં તંત્ર પ્રત્યે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે ગરીબ કારીગરો સેંકડો ફૂટની ઊંચાઈએ, કાળઝાળ ગરમીમાં, માત્ર એક દોરડા કે નબળા માંચડાના સહારે લટકીને કામ કરી રહ્યા છે. શ્રમિક કાયદા અને સેફ્ટીના તમામ નિયમોને નેવે મૂકીને નફ્ફટ કોન્ટ્રાક્ટરો માત્ર પોતાનો નફો કમાવવામાં મસ્ત છે. સવાલ એ ઊભો થાય છે કે આટલા સંવેદનશીલ અને જોખમી કામમાં મજૂરોના જીવની કોઈ કિંમત જ નથી? શું કોન્ટ્રાક્ટર એટલો વગદાર છે કે તેને કાયદાનો કે કોઈના મોતનો ડર જ રહ્યો નથી? આવી ખુલ્લી દાદાગીરી અને લાપરવાહી ત્યારે જ શક્ય બને જ્યારે ઉપરથી નીચે સુધી તમામને હપ્તા પહોંચતા હોય. આ સમગ્ર કૌભાંડ અને બેદરકારી પાછળ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની આંખ આડા કાન કરવાની નીતિ મુખ્ય કારણ છે. શું જવાબદાર એન્જિનિયરો કે સુપરવાઇઝરો આવાં મોટાં કામો વખતે સેફ્ટી સહિતના મુદ્દે અચાનક તપાસ કરવાની તકલીફ લે છે ખરી? જવાબ છે: ના! બધું જ લોલમલોલ ચાલી રહ્યું છે. 

એસી કેબિનોમાં બેસીને માત્ર કાગળ પર મંજૂરીઓ આપતા અધિકારીઓ ક્યારેય સાઇટ પર પગ મૂકવાની તસ્દી લેતા નથી. આ માત્ર આળસ નથી, પણ સાથે મળીને ભ્રષ્ટાચાર કરવાની સોચી-સમજીને અપનાવેલી નીતિ છે. કોન્ટ્રાક્ટરનાં બિલ પાસ કરવા માટે દોડતા અધિકારીઓને હવામાં લટકતા મજૂરોનો જીવ દેખાતો નથી, કારણ કે તેમની આંખો પર કમિશનનાં ચશ્માં ચડેલાં છે. જનતા આજે સવાલ પૂછી રહી છે કે જો કામ દરમિયાન કોઈ કારીગર ઊંચાઈ પરથી નીચે પટકાય અને તેનો જીવ જાય, તો તેના માટે જવાબદાર કોણ રહેશે? એ નફ્ફટ કોન્ટ્રાક્ટર, જેણે સાધનો ન આપ્યા? કે પછી એ નકામું તંત્ર, જેણે આંખો બંધ કરી રાખી? ભૂતકાળમાં આવી અનેક દુર્ઘટનાઓ બની ચૂકી છે, જેમાં ગરીબ પરિવારોએ પોતાના કમાતા વડીલો ગુમાવ્યા છે, છતાં તંત્રે હજી સુધી કોઈ પાઠ ભણ્યો નથી. શાસકો અને વહીવટી તંત્ર માત્ર મોટી-મોટી વાતો કરવામાં, ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીના ગુણગાન ગાવામાં વ્યસ્ત છે, જ્યારે જમીની વાસ્તવિકતા એ છે કે અહીં માણસના જીવની કિંમત પશુ બરાબર પણ નથી. શું આ વીડિયો વાયરલ થયા પછી પણ કોર્પોરેશન ઊંઘમાંથી જાગશે? શું આ લાલચુ અને લાપરવાહ કોન્ટ્રાક્ટર સામે કડક કાયદાકીય પગલાં ભરીને તેનું લાઇસન્સ બ્લૅકલિસ્ટ કરવામાં આવશે ખરું? આ મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ બેસાડવામાં આવે અને સાઇટ પર કામ બંધ કરાવીને પહેલાં સેફ્ટીનાં પૂરતાં સાધનો વસાવવામાં આવે, તે અત્યંત જરૂરી છે. જો તંત્ર હજી પણ ચૂપ રહેશે, તો એ સાબિત થઈ જશે કે આ મોતના ખેલમાં તંત્ર પોતે બરાબરનું ભાગીદાર છે. હવે જોવાનું એ રહે છે કે સત્તાધીશો આ નફ્ફટાઈ બંધ કરાવે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના અને લાશ પડવાની રાહ જુએ છે!

Reporter: admin

Related Post