બેંક ખાતું ખોલાવવું હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય કે પછી ઈન્સ્યોરન્સ પોલિસી લેવી હોય ત્યારે વારંવાર KYC દસ્તાવેજો જમા કરાવવાની મુશ્કેલી હવે દૂર થવાની છે. દેશની નાણાકીય વ્યવસ્થામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનાથી બેંક અને ઈન્સ્યોરન્સ કંપનીઓ માટે સેન્ટ્રલ KYC 2.0 (CKYC 2.0) સિસ્ટમ શરૂ થવાની સંભાવના છે.
નવી વ્યવસ્થા લાગુ થયા બાદ ગ્રાહકોને અલગ-અલગ નાણાકીય સંસ્થાઓમાં વારંવાર ઓળખ પુરાવા અને દસ્તાવેજો આપવાની જરૂર નહીં રહે. એક જ KYC રેકોર્ડના આધારે બેંક, ઈન્સ્યોરન્સ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય સેવાઓનો લાભ મેળવી શકાશે.
જૂની KYC પ્રક્રિયામાં હતી મુશ્કેલી
હાલમાં સેન્ટ્રલ KYC રજિસ્ટ્રીમાં લગભગ 1.2 અબજ ગ્રાહકોના રેકોર્ડ ઉપલબ્ધ છે. જોકે માહિતીમાં ભૂલો, ડુપ્લિકેટ રેકોર્ડ અને અધૂરી વિગતોને કારણે ઘણી નાણાકીય સંસ્થાઓ તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતી નહોતી. જેના કારણે ગ્રાહકોને દરેક નવી સેવા માટે ફરીથી KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું.
OTP અને કોન્ફિડન્સ સ્કોરથી સરળ બનશે વેરિફિકેશન
નવા CKYC 2.0 સિસ્ટમમાં ગ્રાહકોની માહિતીની ચોકસાઈ ચકાસવા માટે કોન્ફિડન્સ સ્કોરનો ઉપયોગ કરવામાં આવશે. ગ્રાહકની મંજૂરી બાદ બેંક અથવા અન્ય સંસ્થા સેન્ટ્રલ રજિસ્ટ્રીમાંથી માહિતી મેળવી શકશે. મોબાઇલ પર આવનાર OTPથી વેરિફિકેશન પૂર્ણ થતાં પ્રક્રિયા ઝડપથી પૂરી થશે.
ફાઇનાન્સિયલ ફ્રોડ પર પણ લાગશે લગામ
આ ડિજિટલ સિસ્ટમ સિંગાપોર અને યુરોપના કેટલાક દેશોની નાણાકીય વ્યવસ્થાની જેમ તૈયાર કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે, આ વ્યવસ્થાથી નકલી ખાતા, ઓળખની છેતરપિંડી અને અન્ય નાણાકીય ગેરરીતિઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે.
રોકાણ માટે લોકો વધુ પ્રોત્સાહિત થશે
હાલમાં ભારતમાં મોટાભાગના લોકો પાસે બેંક ખાતા હોવા છતાં ઈન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ અને પેન્શન જેવી સેવાઓમાં ભાગીદારી ઓછી છે. જટિલ KYC પ્રક્રિયા તેનું એક કારણ માનવામાં આવે છે. નવી સિસ્ટમથી સમયની બચત થશે અને લોકો માટે નાણાકીય સેવાઓ વધુ સરળ બનશે.
ઓગસ્ટથી શરૂ થશે પ્રથમ તબક્કો
બેંક અને ઈન્સ્યોરન્સ કંપનીઓ આ ટેક્નોલોજી અપનાવવાની તૈયારી અંતિમ તબક્કામાં છે. ઓગસ્ટમાં તેનો પ્રથમ તબક્કો શરૂ થવાની શક્યતા છે, જ્યારે બ્રોકરેજ ફર્મ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ વર્ષના અંત સુધીમાં આ સિસ્ટમ સાથે જોડાઈ શકે છે.
Reporter: admin







