રાજકોટ: આજથી શક્તિના પવિત્ર આરાધના પર્વ નવરાત્રીના પ્રારંભે જ સૌરાષ્ટ્રના શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
પહેલા નોરતે દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. પ્રથમ નોરતે મંદિરોમાં પારંપરિક વિધિ વિધાન સાથે ઘાટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી. આજે ચોટીલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે.સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનારી શક્તિની આરાધનાનું મહાપર્વ શારદીય નવરાત્રિનો આજથી મંગળ પ્રારંભ થયો છે. નવરાત્રીનો માતાજીના ભક્તજનો, ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે નવરાત્રિ પુરા ૯ દિવસ માટે એટલે કે તારીખ 11 સુધી છે અને તારીખ 12ના રવિવારે દશેરાનું પર્વ ઉજવાશે.
સર્વ તહેવારોનું વિશેષ માહાત્મ્ય અને ભાતીગળ ઉજવણી માટે ખ્યાત સૌરાષ્ટ્રમાં પાંચ હજારથી વધુ સ્થળે પ્રાચીન એટલે કે પરંપરાગત ગરબીના આયોજનો કરાયા છે અને આવા પરંપરાગત ઉજવણીમાં જ ભાવિકોની ભીડ જોવા મળે છે. જો કે વળી આ સમય દરમિયાન હવામાન વિભાગે પણ સૂકું હવામાન રહેવાની આગાહી વ્યક્ત કરી છે, જેને લઈને તહેવારની ઉજવણીમાં ઉલ્લાસને કોઇ વિઘ્ન નહિ આવે.સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર નવરાત્રીને લઈને ભાવિકોના ઘસારાને મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રીને લઈને નવ દિવસ સુધી મંદિરના દ્વાર સવારે સાડા ચાર વાગ્યે બ્રહ્મ મુહુર્તમાં ખુલી જશે અને નવરાત્રી દરમિયાન સવારની આરતી સવારે 5 વાગ્યે સૂર્યોદય પહેલા થશે. આ સિવાય સૌરાષ્ટ્રમાં રાજપરા, માટેલ, ગળધરા, અંબાજી ગિરનાર, ભુવનેશ્વરી પીઠ સાહિતના મંદિરોમાં પણ નવરાત્રીને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
Reporter: