ચીનના નાનચોંગ શહેરમાં પેરાગ્લાઇડિંગ કરી રહેલા એક યુવક સાથે બનેલી ઘટનાએ એડવેન્ચર સ્પોર્ટ્સના જોખમો ફરી એકવાર ઉજાગર કર્યા છે. અચાનક હવામાન બદલાતા અને તેજ પવનના ઝોકામાં પેરાગ્લાઇડર પરનો કાબૂ ગુમાવતાં યુવક નજીકના બાંધકામ સ્થળ તરફ ધકેલાઈ ગયો હતો. ત્યાં ઊભેલી વિશાળ ક્રેન સાથે તેનો પેરાશૂટ અથડાતા તેની દોરડીઓ ક્રેનના જિબમાં ફસાઈ ગઈ હતી. પરિણામે યુવક જમીનથી અંદાજે 200 ફૂટની ઊંચાઈએ હવામાં જ અટવાઈ ગયો હતો. નીચે ઉતરવાનો કોઈ રસ્તો ન હોવાથી તે ચાર કલાક સુધી હવામાં જ લટકતો રહ્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું હતું અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર અને રેસ્ક્યુ ટીમને એલર્ટ કરવામાં આવી હતી. જોકે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ સાબિત થઈ હતી, કારણ કે બાંધકામ સ્થળે ભારે મશીનરી, સામગ્રી અને ઊંડા ખાડાઓ હોવાને કારણે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા એર કુશન કે સુરક્ષા જાળનો વિકલ્પ શક્ય નહોતો. અંતે રેસ્ક્યુ ટીમે લગભગ 236 ફૂટ લાંબી વિશાળ સીડીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. બચાવ દળે ધીમે ધીમે ક્રેન સુધી પહોંચી પેરાશૂટની ફસાઈ ગયેલી દોરડીઓને કાપી અને યુવકને સલામત રીતે નીચે ઉતાર્યો હતો. આ સમગ્ર બચાવ કામગીરી પૂર્ણ થતાં લગભગ ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો અને રાત્રે મોડે યુવકને સુરક્ષિત રીતે જમીન પર લાવવામાં આવ્યો હતો.
Reporter: admin







