ચીનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા સિચુઆન પ્રાંતમાં બુધવારે વહેલી સવારે સતત આવેલા ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભૂસ્ખલનની ઘટના બાદ થોડા જ સમયમાં ગાઓક્સિયન કાઉન્ટીમાં સવારે 6:12 વાગ્યે રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આંચકા અનુભવાતા જ લોકો ઘરોમાંથી બહાર નીકળી સુરક્ષિત સ્થળોએ પહોંચી ગયા હતા.
ચીન અર્થક્વેક નેટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 28.52 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 104.68 ડિગ્રી પૂર્વ રેખાંશ પર આવેલું હતું. ભૂકંપની ઊંડાઈ 8 કિલોમીટર નોંધાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચીન અર્થક્વેક એડમિનિસ્ટ્રેશન દ્વારા તાત્કાલિક લેવલ-III ઇમરજન્સી રિસ્પોન્સ અમલમાં મૂકવામાં આવ્યો.
શિનહુઆ સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, બુધવારે સવારે અંદાજે 4 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે ગાઓક્સિયન વિસ્તારમાં કુલ આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં સૌથી વધુ તીવ્રતા ધરાવતો આંચકો 5.0નો હતો. હાલ સુધી કોઈ મોટા જાનહાનિ કે મિલકતના નુકસાન અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે પ્રશાસન સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
Reporter: admin







