IOC પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલ ચોરીના ગંભીર કેસમાં નાસતો ફરતો આરોપી જામતારા (ઝારખંડ)થી ટેક્નિકલ સર્વેલન્સના આધારે પકડાયો
વડોદરા શહેરની છાણી પોલીસ સ્ટેશન અને LCB ઝોન-01ની સંયુક્ત ટીમે 2013થી નોંધાયેલા પેટ્રોલિયમ ચોરીના ગંભીર ગુનામાં છેલ્લા 13 વર્ષથી ફરાર આરોપીને ઝારખંડના જામતારા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2013માં IOC (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન)ની કોયલીથી સાંગાનેર (રાજસ્થાન) જતી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાંથી પેટ્રોલિયમ પેદાશની ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. પદમલા વિસ્તારમાં પાઇપલાઇનમાં ક્લેમ્પ લગાવી, વાલ્વ ફિટ કરી અને ઉચ્ચ દબાણથી ક્રૂડ ઓઇલ કાઢવાની કોશિશ કરવામાં આવી હતી. આ ઘટનામાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં મુખ્ય આરોપી અરવિંદ હરિવંશરાય યાદવ (ઉત્તરપ્રદેશ) લાંબા સમયથી ફરાર હતો. ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે તેની હાજરી ઝારખંડના જામતારા વિસ્તારમાં હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી. છાણી પોલીસની ટીમે સ્થાનિક રીતે રેકી કરી આરોપીને પકડી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસની ખાસ ટીમે લગભગ 4000 કિમીથી વધુ મુસાફરી કરીને આરોપીને કાયદેસરની રીતે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ ઝારખંડના જામતારામાં પણ પેટ્રોલિયમ ચોરી અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ આ કેસમાં કેટલાક સહઆરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે.
પોલીસે જણાવ્યું કે આરોપી પાઇપલાઇનમાંથી ચોરાયેલ ક્રૂડ ઓઇલનું ગેરકાયદે વેચાણ કરતો હોવાનું પણ ખુલ્યું છે. હાલ તેની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Reporter: admin







