News Portal...

Breaking News :

ભાયલી જૈન સંઘમાં મુનિસુવ્રત સ્વામી ભગવાનની ચલ પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ યોજાયો

2025-08-19 10:48:06
ભાયલી જૈન સંઘમાં મુનિસુવ્રત સ્વામી ભગવાનની ચલ પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ યોજાયો


ભાયલી જૈન સંઘ ખાતે આજે સવારે અતિપવિત્ર પર્યુષણા પર્વની પૂર્વ સંધ્યાએ મુનિસુવ્રત સ્વામી ભગવાનની ચલ પ્રતિષ્ઠા વિધિ ભવ્ય રીતે યોજાઈ. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ તથા ધર્મરત્ન વિજયજી મહારાજ તેમજ ધર્મકીર્તિ મહારાજના સાનિધ્યમાં આ વિધિ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. આ પ્રસંગે લાભાર્થી પરિવારે ભાવપૂર્વક પ્રતિષ્ઠાનો લાભ લીધો. જાણીતા જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે વિધિનું સંચાલન કર્યું.



વડોદરાના ૩૯મા જૈન સંઘ તરીકે ઉમેરો
જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરામાં અત્યાર સુધી ૩૮ શ્વેતામ્બર જૈન સંઘો કાર્યરત હતા, જેમાં હવે ભાયલીનો વર્ધમાન જૈન સંઘ ૩૯મા સંઘ તરીકે ઉમેરાયો છે. સંઘે ભવિષ્યમાં ભવ્ય શિખરબંધી દેરાસર, ઉપાશ્રય, ભોજનશાળા તથા જૈન પરિવારો માટે સોસાયટી અને એપાર્ટમેન્ટના નિર્માણનું આયોજન કર્યું છે. આ વિકાસ સાથે ભાયલી વિસ્તારના જૈન સમાજને આધ્યાત્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓ માટે કેન્દ્રિય સ્થળ મળશે.

૧૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન પ્રતિમા
આ પ્રસંગે વ્યાખ્યાન આપતાં આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે જણાવ્યું હતું કે સ્થાપિત થનાર મુનિસુવ્રત સ્વામી ભગવાનની પ્રતિમા ૧૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન છે. પર્યુષણા પર્વના પ્રારંભ સાથે આ પ્રતિષ્ઠાથી જૈન સમાજના ભક્તિ-આરાધનામાં વધારો થશે. તેમણે સંઘના દરેક સભ્યને ધાર્મિક ભાવના સાથે પરમાત્માની આરાધના કરવા પ્રેરણા આપી.




પર્યુષણા પર્વમાં ધાર્મિક પ્રેરણા
ધર્મરત્ન વિજયજી મહારાજે પણ આ પ્રસંગે પ્રવચન આપતા જણાવ્યું હતું કે પર્યુષણા પર્વ જૈનો માટે આત્મશુદ્ધિનું પર્વ છે. પ્રતિક્રમણ,જિન પૂજા, ચૈત્યવંદન અને ભક્તિભાવના દ્વારા સૌએ આત્મકલ્યાણનો માર્ગ અપનાવવો જોઈએ. સંઘ અગ્રણી વિનિતભાઈ શાહે પણ આ પર્વને નિમિત્તે સંઘના તમામ સભ્યોને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કર્યો.

Reporter: admin

Related Post