શહેર ભાજપના ઘણા એવા નેતાઓ છે જેમને રાતોરાત હોદ્દા પરથી ઉતારી દેવાયા છે
ભલે ગમે તેટલા મોટા હોદ્દા પર હો, પણ એક નાની ભુલ કરી તો થઇ જશો ઘરભેગા...
100 ઉપર એવા કાર્યકરો છે કે જેઓ હવે ઘરે બેઠા માળા જપે છે અને ઘરનું ચંદન ઘસે છે..
આ વખતે કાઉન્સિલરોની ચૂંટણીમાં મોટાભાગનાને ફરી ટિકિટ ના અપાય તેવી પૂરેપૂરી શક્યતા છે...

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપા સામે બાંયો ચઢાવનાર વોર્ડ નંબર 15 ના ભાજપા કાઉન્સિલર આશિષ જોષીને પ્રદેશ ભાજપાની સુચનાથી શહેર ભાજપા પ્રમુખ ડો. જયપ્રકાશ સોની દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત વડાપ્રધાનનો ધમ્રપાન કરતો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને પણ સસ્પેન્ડ કરાયો છે. નવા પ્રમુખ ડો. જય પ્રકાશ સોનીના શરુઆતના કાર્યકાળમાં જ પક્ષના 2 કાર્યકરોને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાં એકને તો નોટિસ આપીને મોકો અપાયો હતો પણ બીજાને તો નોટિસ પણ આપવામાં આવી ન હતી અને સીધો તેને ઘરભેગો કરી દેવાયો હતો. ભાજપની આ પદ્ધતિના કારણે ઘણા કાર્યકરો હાલ નારાજ પણ છે. ભાજપ એવો પક્ષ છે કે અહીં જો પાર્ટી લાઈનથી ન ચાલ્યા,નાની સરખી પણ ભુલ કરી તો ભલે મોટો નેતા બન્યો હોય પણ તે કાર્યકરને ઘરભેગા કરી દેવાય છે.તરત જ શેહશરમ રાખ્યા વગર વિદાય કરી દેવાય છે. આખા ગુજરાતમાં આ રીતે ઘણાં નેતાઓ શિસ્તભંગ હેઠળ સસ્પેન્ડ થયેલા છે પણ તેમાં વડોદરાના કાર્યકરોનું પણ લિસ્ટ તો ઘણું લાંબુ છે. ભલભલાને પક્ષે ઘરે બેસાડી દીધેલાના દાખલા વડોદરા ભાજપમાં છે. ભાજપમાં કાર્યકરને ટિકીટ ના આપીને અણસાર આપી દે છે કે હવે તમારો ઘેર જવાનો વારો આવી ગયો છે. કેટલાકને સસ્પેન્ડ કરી દે છે અને કેટલાક તો એવા પણ છે કે સસ્પેન્ડ થયા હોય તો પણ પાર્ટી પાછી પણ લઇ લે છે. ઘણા એવા હોય છે કે હોદ્દા પર હોય તો પણ પાર્ટી સસ્પેન્ડ કરી દે છે. આ બધા નેતાઓ અને કાર્યકરોએ પાર્ટી માટે રાત દિવસ મહેનત કરેલી હોય છે પણ જો તેમનાથી નાની ભુલ થઇ જાય તો પાર્ટી તુરત જ તેમને ઘેર બેસાડી દે છે. પાર્ટીના કન્ટ્રોલમાં રહેવાની આ ભાજપની પદ્ધતિમાં છે. તમામ વડોદરાવાસી જાણે કે પૂર્વ સાંસદ રંજન ભટ્ટને સાંસદ પદ માટે ત્રીજી વખત ટિકીટ પણ આપી દીધી હતી પણ ચીઠ્ઠો પહોંચી જતા તુરત જ ટિકીટ પાછી પણ લઇ લીધી હતી. આ તાજેતરનું ઉદાહરણ છે. પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ રાતોરાત મંત્રી પદેથી ઉતારી દેવાયા હતા જે ક્યારેક મુખ્યમંત્રી બનવાના સપના જોતા હતા અને મહેસુલ મંત્રી હતા. અન્ય એક સંગઠનના નેતા ભાર્ગવ ભટ્ટને પણ હોદ્દા પરથી ઉતારી દેવાયા હતા. ભાર્ગવ ભટ્ટ તો પીએમ મોદીની કોર કમિટીના સભ્ય પૈકીનાં એક હતા. જેમણે પોતાનો રંગ બદલ્યો હતો.કેટલીક સ્ફોટક માહિતી ઉપર સુધી પહોંચી ગઈ હતી.કેટલાક નેતાઓ એવા છે કે જેમને ભ્રષ્ટાચારને કારણે વિદાય કરાયા છે. કેટલાકે પત્રિકા કાંડ કરેલા છે. તો કેટલાકે વોર્ડમાં તોડફોડ કરેલી છે. કેટલાક નેતાઓ તો હવે એવા છે કે જેમના ઘરમાં ભાજપનો ખેસ પણ શોધ્યો ના મળે તેવી હાલત છે. કેટલાકને તો ઉંમરના કારણે અને કેટલાકને બોગસ પોસ્ટ કરવાના કારણે ઘરભેગા કરી દેવાયા હતા. એક નેતા તો એવા હતા કે જે પોતાના ઘરમાં જ નકલી કાર્યાલય ચલાવી સમાંતર વહિવટ કરતા હતા. આ નેતા તો એવો દાવા કરતા કે પોતે મોદીજીના ખાસ છે. દાવેદારોની ગુપ્ત માહિતી પણ તેઓ પહોંચાડે છે. તેમણે જ કેટલાક નેતાઓની કારકિર્દી સાથે રમત કરી હતી. વડોદરા શહેર ભાજપમાં એવા તો ઘણા નેતાઓ છે જે મોટા હોદ્દા ધરાવતા હતા પણ આજે તેમને કોઇ પુછતું નથી અને તેથી જ ભાજપમાં ક્યારે શું થાય તે નક્કી હોતું નથી તે સ્પષ્ટ વાત છે.
આ રહ્યા એ નેતાઓના નામ જે ક્યારેક હેડલાઇન્સમાં રહેતા
આ નેતાઓમાં ભારતીબેન વ્યાસ, શબ્દશરણ બ્રાહ્મભટ્ટ, સુનિલ સોલંકી, ભરત શાહ, જિગીષા શેઠ, સ્નેહલ શ્રી ખંડે, દિનેશ ચોક્સી, હરજીવન પરબડીયા, રંજનબેન ભટ્ટ, યોગેશ પટેલ (મુક્તિ ) , જીવરાજ ચૌહાણ, ડ઼ો વિજય શાહ, ભુપેન્દ્ર લાખાવાલા, કિરણ ગુર્જર, પ્રદીપ જોશી, પ્રવીણ પટેલ, સતીશ પટેલ, હર્ષિત ઉપાધ્યાય, રાજેન્દ્ર ત્રિવેદી, મુકેશ દીક્ષિત, લાલાભાઇ પટેલ, હર્ષિત તલાટી, લલિત રાજ , ડૉ. ગિરીશ પારેખ, અશોક પવાર, કેતન બ્રહ્મભટ્ટ, મિત્તલ ગાંધી, ચંદ્રકાન્ત ઠક્કર, વિજય પવાર, જ્યોતિ પંડ્યા, સુનિતા શુક્લ, ભાર્ગવ ભટ્ટ, જીતુ સુખડીયા, જયાબેન ઠક્કર, મધુ શ્રી વાસત્વ, મેહુલ ઝવેરી,જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ લિસ્ટ તો લાંબુ છે પણ અહીં માત્ર કેટલાક જે તે સમયે હેડલાઇન્સમાં રહેતા હતા તેમના જ નામ લખ્યા છે.

આશિષ જોશીને સસ્પેન્સનનો લેટર વોટસએપ પર મોકલાયો !
શહેર ભાજપ અને કોર્પોરેશન સામે બાંયો ચઢાવનારા કોર્પોરેટર આશિષ જોશીને આખરે સસ્પેન્ડ કરી દેવાયા છે. લડાયક કાઉન્સિલર આશિષ જોશી સસ્પેન્શનનો લેટર વૉટસએપ પર મોકલવામાં આવ્યો હતો જેથી તેઓ નમો કાર્યાલય ઉપર પહોંચ્યા હતા અને આરોપોના પુરાવા આપવા માંગ કરી હતી. કાઉન્સિલર આશિષ જોશીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરતો પત્ર વાયરલ કરાયો હતો. આશિષની સાથે વૉર્ડ—2ના પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિને મોદીજીની બેહુદી તસ્વીર મૂકવા બદલ સસ્પેન્ડ કરાયા છે..બંનેના “ગુના” અલગ છતાં એક્શન એક સરખું લેવાયું છે! આશિષનો ગુનો બોટ કાંડમાં બાળકો ગુમાવનાર ગરીબ માતા—પિતાઓને ન્યાય અપાવવા સરકાર સામે જંગે ચડવાનો અને પાર્ટીના જ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનો છે. ઝૂઝારૂ કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું કે બોટ કાંડના મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા છેડેલા ધર્મયુદ્ધથી નારાજ અમુકે લીધેલો આ નિર્ણય છે અને હું અંત સુધી લડીશ..
પક્ષ સામેં બાંયો ચઢાવનારા અને બોટકાંડના પીડિતો માટે લડનારા કોર્પોરેટર આશિષ જોશી સસ્પેન્ડ...
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપા સામે બાંયો ચઢાવનાર વોર્ડ નંબર 15 ના ભાજપા કાઉન્સિલર આશિષ જોષીને ભાજપામાંથી પ્રદેશ ભાજપાની સુચનાથી શહેર ભાજપા પ્રમુખ ડો. જયપ્રકાશ સોની દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલર આશિષ જોષીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે સામાન્ય સભામાં કાંસની સફાઇ બાબતે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. આ ઉપરાંત અનેક વખત ભાજપાની આબરુ કાઢતા નિવેદનો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ અંગે શહેર ભાજપા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત તાજેતરમાં વડોદરા મહાનગર સેવાસદન દ્વારા મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આયોજીત કાર્યક્રમમાં હરણી બોટ કાંડ પીડિત બે મહિલાઓને મોકલીને પાલિકા શાસકોના ધજાગરા ઉડાવ્યા હોવામાં પણ કાઉન્સિલર આશિષ જોષીનુ નામ આવ્યું હતું. આવી અનેક બાબતો અંગે ભાજપા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આશિષ જોશી ઉપરાંત પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને પણ શિસ્તભંગ બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે
સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોશીએ શહેર પ્રમુખને લાંબો પત્ર લખ્યો જેમાં તેમણે લખ્યું છે કે વોટ્સએપના માધ્યમથી એક પત્રમાં તેમને ભાજપના સક્રીય અને પ્રાથમિક સભ્યપદેથી બરખાસ્ત કરાયા છે અને તેમને વખતો વખત મૌખિક અને લેખિતમાં શિસ્તમાં રહેવાનું જણાવાયું હતું. આ બાબતે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને પાર્ટીની છબી ખરડાવવામાં તે સહભાગી થયા હોવાની વિગતો સાથે વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોથી પુષ્ટી થઇ હોવાનું જણાવાયું છે. તેમણે શો કોઝ નોટિસનો જવાબ પણ આપેલો છે તેમના જવાબની વિગતો સાચી હોવાનું તેમને મૌખીક રીતે જણાવાયું હતું. પણ તેમને ખુલાસા માટે ક્યારેય બોલાવામાં આવતા નથી.તેઓ સતત હરણી બોટકાંડના પીડિતો રોજ મળીને પક્ષ તરફથી અને સરકાર ઉપર પરિવારનો વિશ્વાસ બની રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે ત્રણ દિવસ પહેલાં તેમને પીડિત પરિવારનો સંપર્ક કરી કોઇપણ સંજોગોમાં આ પરીવારના કોઇ વ્યક્તિ આપ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીને ના મળે તે માટે સત્યેન કુલાબકરનો ફોન આવ્યો હતો. અને તે વખતે આપના આદેશ ને અનુસરીને ઘટતું કરીશું તેવું જણાવેલું પણ સંજોગોવશાત આ બાબતે તમારી સાથે વાતચીત થઇ ન હતી. અને તેઓ પીડિત પરિવાર સાથે વાત કરી આ મુલાકાત અટકાવી શક્યા ન હતા. ભુતકાળમાં તેમણે અનેક વખત નિષ્ઠાપૂર્વક પાર્ટીના કામ કરેલા છે. અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ પરીવારથી દુર રહે તેવા તમામ પ્રયાસો કરી પાર્ટીના હિતમાં સતત કાર્યશીલ રહ્યા હતા. તેમણે ભાજપના બંધારણીય જોગવાઇ મુજબ શિસ્તભંગની જોગવાઇ છે. તેવું કોઇપણ કૃત્ય કરેલું નથી અને ડિસીપ્લનરી એક્શ કમિટી દ્વારા જરુરી તપાસ કરી સાંભળ્યા વગર નિર્ણય લઇ શકાય નહી અમે એવું કોઇ કામ કર્યું નથી. જેથી એવા કોઇ કારણો અને દસ્તાવેજો હોય તો તેમને તત્કાળ નકલ આપવામાં આવે.
Reporter: admin