મુંબઈ: શિવસેના અને ભાજપનું ગઠબંધન પાંચ વર્ષ પહેલા તૂટી ગયું હતું. મુખ્ય પ્રધાનપદને મુદ્દે બંને પક્ષો વચ્ચેનું જોડાણ તુટ્યું હતું.
હવે પાંચ વર્ષ પછી ફરી એ જ ઘટનાઓની ઘટમાળ શરૂ થઈ રહી છે. એવું જોવા મળી રહ્યું છે કે ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાનપદને લઈને લડાઈ શરૂ થઈ રહી છે. ભાજપ ફરી એકવાર મુખ્ય પ્રધાનપદ છોડવા તૈયાર નથી. ભાજપ દ્વારા મુખ્ય પ્રધાનપદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા ચાલી રહી છે. જે બાદ શિવસેનાએ હવે મહાયુતિના અન્ય ઘટક પક્ષ એનસીપીનો સંપર્ક કર્યો છે. શિંદેની શિવસેના દ્વારા એનસીપીને મુખ્ય પ્રધાનપદ માટે એકનાથ શિંદેને સમર્થન આપવાની વિનંતી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી એનસીપીએ આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
શિવસેના મુખ્ય પ્રધાનપદ જાળવી રાખવા માટે મરણિયા પ્રયાસો કરી રહી છે. શિંદેના નેતૃત્વમાં મહાયુતિએ વિધાનસભામાં જોરદાર જીત મેળવી હતી. આથી શિવસેના એવી દલીલ કરી રહી છે કે જો વિજય બાદ તરત જ તેમને મુખ્ય પ્રધાનપદ પરથી હટાવવામાં આવશે તો તેનાથી મતદારોમાં ખોટો સંદેશ જશે. પરંતુ 132 જેટલી બેઠકો જીતનાર ભાજપ મુખ્ય પ્રધાનપદ છોડવા તૈયાર નથી. નેતૃત્વ પર દબાણ વધ્યું છે, કારણ કે કાર્યકરો સતત નેતાઓને પૂછી રહ્યા છે કે તેઓએ શા માટે દર વખતે બલિદાન આપવું જોઈએ. તેથી ભાજપ મુખ્ય પ્રધાનપદ પોતાની પાસે જાળવી રાખશે.
Reporter: admin