મુંબઈ: શિવસેનાના વડા એકનાથ શિંદેએ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધા બાદ નવા મુખ્ય પ્રધાન તરીકે તેમના સ્થાને કોણ આવશે તેનું સસ્પેન્સ અકબંધ રહ્યું છે.
દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વે દેવેન્દ્ર ફડણવીસને ત્રીજી વખત મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય કરી નાખ્યો છે, પરંતુ ભાજપ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.શિંદે અને ફડણવીસ મંગળવારે વહેલી સવારે મુંબઈ પોલીસ કમિશનરની ઑફિસમાં 26/11ના આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેના એક કાર્યક્રમમાં સાથે જ હતા, પરંતુ તેમના વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત થઈ હોવાનું જોવા મળ્યું હતું.શિંદેનું રાજીનામું તેમના શિવસેના પક્ષની અંદરથી વધતા દબાણ વચ્ચે આવ્યું હતું કે તેઓ આ પદ પર ચાલુ રહે કારણ કે વિધાનસભાની ચૂંટણીઓ તેમના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી અને જીતવામાં આવી હતી.
નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે, એકનાથ શિંદે મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું સુપરત કરવા માટે અગાઉ રાજભવન ખાતે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા હતા.ત્યારબાદ રાજ્યપાલે શિંદેને નવા મુખ્ય પ્રધાન શપથ ગ્રહણ ન થાય ત્યાં સુધી કાર્યવાહકની ભૂમિકામાં ચાલુ રહેવા વિનંતી કરી હતી, એમ રાજભવનના એક અધિકારીએ જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉની વિધાનસભાની મુદત મંગળવારે સાંજે પાંચ વાગ્યે પૂરી થઈ ગઈ છે અને હવે રાજ્યમાં સંક્રમણ કાળ લાગુ થઈ ગયો છે.ભાજપના પ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે રાજ્યમાં નવી સરકારના ગઠનમાં પાંચ-છ દિવસ લાગી શકે છે કેમ કે કેન્દ્રીય ટીમ મુંબઈ આવશે અને તેઓ વિધાનસભ્યોને મળીને માહિતી મેળવ્યા બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે.
Reporter: admin