News Portal...

Breaking News :

ભવન્સ સ્કૂલ સામે વાલીઓનો મોરચો, DEOને આવેદનપત્ર

2026-07-29 11:10:14
ભવન્સ સ્કૂલ સામે વાલીઓનો મોરચો, DEOને આવેદનપત્ર

 શહેરની મકરપુરા સ્થિત ભવન્સ સ્કૂલમાં એક્સ્ટ્રા એક્ટિવિટીના નામે ફરજિયાત ફી વસૂલાત કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે શાળાના વાલીઓએ આજે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) તેમજ ફી રેગ્યુલેટરી કમિટી (FRC) સમક્ષ આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ રજૂઆત દરમિયાન વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન (VPA)ના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહી વાલીઓને સમર્થન આપ્યું હતું.

વાલીઓના જણાવ્યા મુજબ, એફ.આર.સી.ના નિયમો અનુસાર કોઈપણ ઓપ્શનલ અથવા એક્સ્ટ્રા એક્ટિવિટી માટે વાલીઓની લેખિત સંમતિ લેવી ફરજિયાત છે અને સંમતિ ન આપનાર વાલીઓ પાસેથી તેની ફી વસૂલ કરી શકાય નહીં. તેમ છતાં, ભવન્સ સ્કૂલ દ્વારા એક્ટિવિટી માટે ફરજિયાત સંમતિ માંગવામાં આવી રહી હોવાનું અને ફોર્મ પર સહી ન કરનાર વાલીઓના બાળકોને 15 ઓગસ્ટના કાર્યક્રમમાં ભાગ લેવા નહીં દેવાની ધમકી આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મુદ્દે આજે બપોરે 2:30 કલાકે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. રજૂઆત દરમિયાન વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ પણ શાળા સંચાલકોની મનમાની સામે કડક કાર્યવાહી કરી વાલીઓને ન્યાય અપાવવાની માંગ કરી હતી.
વાલીઓના જણાવ્યા મુજબ, જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ નિરીક્ષક વણઝારા સાહેબને ટેલિફોનિક સૂચના આપી સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા અને વાલીઓને ન્યાય મળે તે માટે તાકીદ કરી છે.


 ન્યાય નહીં મળે તો વાલીઓનું ઉગ્ર આંદોલન

વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જો તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ અને એફ.આર.સી. દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર વાલીઓની નજર મંડાઈ છે.

Reporter: admin

Related Post