વડોદરા નજીક કાર્યરત બરોડા ગ્રીન સસ્ટેનેબલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (BGSS) કચરાને આર્થિક મૂલ્યમાં ફેરવતી અનોખી પહેલ દ્વારા સર્ક્યુલર ઇકોનોમીને મજબૂત બનાવતી આગવી સંસ્થા તરીકે ઉભરી આવી છે. ભારતની પ્રથમ સંકલિત ELV (એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ) અને ઈ-વેસ્ટ રિસાયક્લિંગ સુવિધા તરીકે ઓળખાતી આ ઇન્ડસ્ટ્રી નકામી સામગ્રીને વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરીને મૂલ્યવાન ઔદ્યોગિક સંસાધનોમાં પરિવર્તિત કરી રહી છે.
BGSS માં ઉપયોગની અંતિમ અવસ્થાએ પહોંચેલા વાહનોનું ડી-પોલ્યુશન, ડિસમેન્ટલિંગ અને મટિરિયલ રિકવરી જેવી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા રિસાયક્લિંગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્ટીલ, એલ્યુમિનિયમ, તાંબુ, સોનું અને પ્લાસ્ટિક જેવી પુનઃઉપયોગી સામગ્રી અલગ કરીને ફરી ઉત્પાદન ક્ષેત્રમાં મોકલવામાં આવે છે. પરિણામે નવા કુદરતી સંસાધનો પરની નિર્ભરતા ઘટે છે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે.
કંપનીને ૯૫ પ્રકારના ઈ-વેસ્ટની પ્રક્રિયા કરવાની સત્તાવાર મંજૂરી પ્રાપ્ત છે. સાથે જ ઉદ્યોગોને એક્સ્ટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી (EPR) અનુપાલન માટે માર્ગદર્શન અને સહાયતા પણ પૂરી પાડવામાં આવે છે, જેથી જવાબદાર કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહન મળે.
BGSS માત્ર પર્યાવરણ સંરક્ષણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સર્વસમાવેશક વિકાસનું પણ ઉદાહરણ પૂરું પાડે છે. કંપનીમાં ૫૦ ટકાથી વધુ મહિલાઓ કાર્યરત છે, જેમને રિસાયક્લિંગ કામગીરી માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ પહેલ હરિત અર્થતંત્રના ઉભરતા ક્ષેત્રમાં મહિલાઓ માટે રોજગારીની નવી તકો ઊભી કરી રહી છે.
આ પહેલના નેતૃત્વમાં મનોજ કુમાર છે, જેઓ ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ૩૩ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. Honda, General Motors અને MG Motor જેવી અગ્રણી કંપનીઓમાં કામગીરીનો અનુભવ ધરાવતા મનોજ કુમારના માર્ગદર્શન હેઠળ BGSS પર્યાવરણીય જવાબદારી, નવીનતા અને આર્થિક મૂલ્યનું સફળ સંયોજન રજૂ કરી રહ્યું છે. ડોર-ટુ-ડોર કલેક્શન અને પરિવહન સેવા દ્વારા કંપની જવાબદાર રિસાયક્લિંગને વધુ સરળ અને સુલભ બનાવી રહી છે.
Reporter: admin







