નાસાઉ (બહામાસ): બહામાસમાં શુક્રવારે એક નાના વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થતાં 10 લોકોના કરુણ મોત થયા છે. આ ગંભીર અકસ્માત બાદ બહામાસ સરકારે ફ્લેમિંગો એરની તમામ ઉડાનોને તાત્કાલિક અસરથી થોડા સમય માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર દુર્ઘટના નોર્થ એન્ડ્રોસ વિસ્તારમાં બની હતી, જે બહામાસની રાજધાની નાસાઉથી પશ્ચિમ તરફ દરિયા કિનારે આવેલો વિસ્તાર છે. અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બહામાસના વડાપ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસએ શરૂઆતમાં જણાવ્યું હતું કે એક વ્યક્તિ જીવિત મળી આવ્યો છે. જોકે બાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ગંભીર ઈજાઓને કારણે તે વ્યક્તિનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે.
હાલ મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને સંબંધિત એવિએશન સત્તાધિકારીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહ્યા છે.
વડાપ્રધાન ડેવિસે જણાવ્યું કે દેશ જ્યાં બહામાસની સ્વતંત્રતાની 53મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો હતો, ત્યાં આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે, "જે પરિવારો પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ દિવસ અવિસ્મરણીય દુઃખ લઈને આવ્યો છે."
Reporter: admin







