News Portal...

Breaking News :

સોનાના ભાવે ફરી બનાવ્યો નવો રેકોર્ડ, ગુજરાતમાં 24 કેરેટ ગોલ્ડ ₹1.44 લાખને પાર

2026-07-11 09:43:18
સોનાના ભાવે ફરી બનાવ્યો નવો રેકોર્ડ, ગુજરાતમાં 24 કેરેટ ગોલ્ડ ₹1.44 લાખને પાર

દેશમાં સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી છે. 11 જુલાઈની સવાર સુધીમાં દેશના મોટા ભાગના શહેરોમાં સોનાના ભાવે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ગુજરાતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,44,880, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,32,810 સુધી પહોંચ્યો છે.

રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,44,960 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,32,910 નોંધાયો છે. જ્યારે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,44,830 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,32,760 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની તેજી યથાવત રહી છે. હાજર સોનાનો ભાવ 4,106.25 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યો છે. ડોલર નબળો પડતાં વૈશ્વિક સ્તરે સોનાની માંગમાં વધારો થયો હોવાનું બજાર નિષ્ણાતોનું માનવું છે.


ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 11 જુલાઈની સવારે ચાંદીનો ભાવ ₹2,40,100 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 59.54 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર કરતી જોવા મળી હતી.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ સોના પર આયાત ડ્યુટીમાં થયેલા તાજેતરના વધારાની સીધી અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)નું માનવું છે કે આયાત ડ્યુટી વધારવાથી સોનાની આયાતમાં ખાસ ઘટાડો થતો નથી, પરંતુ સ્થાનિક બજારમાં કિંમતો વધુ ઊંચી જાય છે.


જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે આયાત ડ્યુટી વધારવાને બદલે સોના અને ચાંદીની આયાતના જથ્થા પર અસરકારક નિયંત્રણ લાવવું વધુ યોગ્ય વિકલ્પ બની શકે છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારની સ્થિતિ અને ડોલરની ચાલને આધારે કિંમતી ધાતુઓના ભાવમાં વધુ વધઘટ જોવા મળી શકે છે.

Reporter: admin

Related Post